શિક્ષણમંત્રી, ધારાસભ્યો, સાંસદો, ભાવનગરના મેયર, યુવરાજ સહિતના લોકો હાજર રહેશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 26 માર્ચ અને શનિવારના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના લોકો હાજરી આપશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા દર વર્ષે શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. જેના માટે પદવીદાન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 8મા કોન્વોકેશન સમારોહમાં રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્યો, સાંસદો, ભાવનગરના મેયર કીર્તી દાણીધારિયા, ભાવનગરના યુવરાજ જયવિરસિંહ ગોહિલ તેમજ વિવિધ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે. આ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કૌશિકભાઈ એલ. ભટ્ટે જણાવ્યું છે કે ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ 2021 અને જાન્યુઆરી 2022માં ડિગ્રી ફોર્મ ભરેલું હોય અને રૂબરૂ ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓના કોન્વોકેશન માટેના ટોકન ઇશ્યુ કરવામાં આવ્યા છે. આમ, શનિવારે ભાવનગર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહેશે.