ચેન્નાઈ , તા.૨૪
આખરે જે અટકળો લગાવવામાં આવી રહી હતી તે સાચી પડી છે. ધોનીએ ફરી એકવાર પોતાના અચાનક લીધેલા નિર્ણયથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે. હવે સીએસકેની કમાન ગુજરાતના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના હાથમાં આવી છે. જાડેજા લાંબા સમયથી ચેન્નાઈની ટીમ સાથે જોડાયેલો છે અને તેનું ધોની સાથેનું ટ્યુનિંગ પણ ઘણું સારું રહ્યું છે. મેદાન પર બોલિંગ હોય કે બેટિંગ બન્ને સમયે તે ધોનીની વાત માનીને તેને સાથ આપતો રહ્યો છે. એટલે કે આગામી સમયમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન તરીકેના એકદમ નવા અનુભવ દરમિયાન ધોનીના વિશાળ અનુભવનો લાભ થઈ શકશે. રવિન્દ્ર જાડેજા વર્ષ ૨૦૧૨થી ચેન્નાઈ સાથે જોડાયેલો છે. તે ચેન્નાઈની કેપ્ટનશિપ સંભાળનારો ત્રીજો ખેલાડી છે. આ પહેલા ધોની અને સરેશ રૈના ટીમની કમાન સંભાળી ચૂક્યા છે.ચેન્નાઈના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન છોડીને તે રવિન્દ્ર જાડેજાને સોંપવાનો નિર્ણય કર્યો છે. બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે મુંબઈ આવી પહોંચી હતી, અને ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જાડેજાના હાથમાં ટીમની જવાબદારી સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે આજ રીતે ધોનીએ ૨૦૧૯માં આઈપીએલની તૈયારી માટે નેટ પ્રેક્ટિસ માટે મેદાનમાં ઉતરેલા ધોનીએ વનડે ટીમમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન પણ ધોનીએ સોશિયલ મીડિયા પર એક ગીત સાથે તસવીરો મૂકીને પોતાની વાત કહીને ફેન્સ સહિત તેની સાથે રહેતા ટીમ મેટ્સને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ૨૬ માર્ચથી આઈપીએલની શરુઆત થઈ રહી છે અને પહેલી જ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાવાની છે. પાછલી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ વખતે આઈપીએલ ભારતમાં રમાઈ રહી છે જેને લઈને ખેલાડીઓની સાથે ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.