રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેનની સામે નથી : આ યુદ્ધ સ્વતંત્રતાની વિરૂદ્ધ શરૂ કરાયું છે, માટે હું તમને યુદ્ધ વિરૂદ્ધ ઉભા થવા માટે કહું છું : ઝેલેન્સ્કી
કીવ, તા.૨૪
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરૂવારે સમગ્ર વિશ્વના નાગરિકોને યુક્રેન પરના રશિયાના હુમલાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા માટે અનુરોધ કર્યો હતો.
યુક્રેનના વિદેશ મંત્રાલયે ઝેલેન્સ્કીના વીડિયો મેસેજને ટિ્વટ કર્યો હતો. આ વીડિયો મેસેજમાં ઝેલેન્સ્કી કહે છે કે, રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેનની સામે નથી. આ યુદ્ધ સ્વતંત્રતાની વિરૂદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. માટે હું તમને યુદ્ધ વિરૂદ્ધ ઉભા થવા માટે કહું છું. ૨૪મી માર્ચથી શરૂ કરો- રશિયાના આક્રમણના એક મહિના બાદ સૌ એકસાથે યુદ્ધ રોકવા ઈચ્છીએ. યુક્રેન પરના રશિયાના આક્રમણના એક મહિના બાદ ગુરૂવારથી શરૂ થનારા વૈશ્વિક વિરોધનું આહ્વાન કરીને ઝેલેન્સ્કીએ અંગ્રેજીમાં કહ્યું હતું કે, આ દિવસ બાદથી તમારૂં વલણ શું છે તે બતાવી દો, તમારા કાર્યાલયો, તમારા ઘરો, તમારી શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાંથી આવો. શાંતિના નામ પર આવો. યુક્રેનનું સમર્થન કરવા માટે, સ્વતંત્રતાનું સમર્થન કરવા માટે, જીવનનું સમર્થન કરવા માટે યુક્રેની પ્રતીકો સાથે આગળ આવો. ઝેલેન્સ્કીએ કહ્યું કે, તમારી શાળાના મેદાનો, તમારા રસ્તાઓ પર ઉતરો. કહો કે લોકોનું જીવન મહત્વ ધરાવે છે અને તેમની સ્વતંત્રતા પણ મહત્વ ધરાવે છે. શાંતિ મહત્વ ધરાવે છે અને યુક્રેન પણ મહત્વ ધરાવે છે.