યુક્રેને રશિયાના ૧૦૦થી વધુ ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા

52

અનેક રશિયન પાઈલટ ઉડાનથી ઈનકાર કરી રહ્યા છે
કીવ, તા.૨૪
રશિયાએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરુ કરી તેના ૩૦ જેટલા દિવસો થઈ ગયા છે, પરંતુ રશિયાને હજી સફળતા નથી મળી. જમીન પર કબજો મેળવવાની વાત તો દૂર છે પરંતુ રશિયન સેનાને હવામાં પણ યુક્રેનની સેના બરાબરની ટક્કર આપી રહી છે. રશિયાએ વિચાર્યું હશે કે તે યુક્રેનની સરખામણી વધારે શક્તિશાળી છે, માટે સરળતાથી તેને હરાવી દેશે પરંતુ તેના અંદાજા ખોટા પડી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની સેનાએ રશિયાના ૧૦૦થી વધારે ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા છે. યુક્રેનની વાયુસેનાના એક અધિકારીએ સીએનએન સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે સ્થિતિ શાંતિ તરફ આગળ વધી રહી છે. શરુઆતમાં તેઓ વધારે સંખ્યામાં હોવાને કારણે અમારા પર હાવિ થઈ રહ્યા હતા, પરંતુ હવે સ્થિતિ ઘણી સારી થઈ રહી છે. અનેક રશિયન પાઈલટ ઉડાનથી ઈનકાર કરી રહ્યા છે કારણકે અમે તેમના ફાઈટર જેટ પાડી રહ્યા છીએ. અધિકારીએ જણાવ્યું કે, રશિયન પાઈલટ વધારે આધુનિક લડાકુ વિમાન ઉડાવી રહ્યા છે. તે વધારે દૂરથી મિસાઈલ ફાયર કરવા સક્ષમ છે. માટે અમે જ્યારે તેમને પાડવા માટે રસ્તામાં હોઈએ છીએ ત્યાં સુધી તેમની મિસાઈલ આવી જાય છે. આ યુદ્ધમાં અમને અમેરિકા અને નાટો દેશો તરફથી મળેલી તાલીમ ઘણી કામ લાગી રહી છે. અમે અમેરિકાના એફ-૧૫ અને એફ-૧૬ ફાઈટર જેટ સાથે થોડા વર્ષો પહેલા અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન અમે ફાઈટર જેટને ધ્વસ્ત કરવા માટે અમુક તકનીકો શોધી હતી. જે અત્યારે કામ આવી રહી છે. યુક્રેનના પાઈલટે જણાવ્યું કે, પશ્ચિમી દેશો પાસેથી અમને ઘણી ડિફેન્સ પદ્ધતિઓ મળી છે, જેનાથી અમે સરળતાથી ઉડાન ભરી શકીએ છીએ. રશિયન પાઈલટોએ યુદ્ધમાં ભાગ લેવાની જ ના પાડી દીધી છે, તેઓ ડરેલા છે. યુક્રેનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધી ૧૦૦થી વધારે રશિયન ફાઈટર જેટ અને ૧૨૩ હેલિકોપ્ટરોને મારવામાં આવ્યા છે. જો કે હજી સુધી આ આંકડાઓની સ્વતંત્ર પૃષ્ટિ નથી થઈ શકી. રશિયાએ અત્યાર સુધી પોતાને થયેલા નુકસાનનો કોઈ ચોક્કસ આંકડો જાહેર નથી કર્યો. નાટો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયા દરેક પ્રકારના હથિયારો યુદ્ધમાં ગુમાવી રહ્યું છે. અમેરિકન રક્ષા મંત્રાલયના અધિકારી જૉહ્ન કિર્બીએ કહ્યું કે, અમારું માનવું છે કે રશિયા હજી સુધી યુક્રેનના હવાઈ વિસ્તાર પર કબજો નથી મેળવી શક્યો. યુક્રેનની સેના ચતુરાઈથી એર ડિફેન્સનો ઉપયોગ કરી રહી છે. યુક્રેનની સેનાનો દાવો છે કે, અમે આ પ્રકારની સ્થિતિ માટે પાછલા આઠ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમારી પાસે જે હથિયારો છે તેની મદદથી રશિયન સેનાને મ્હા આપી શકાય છે.

Previous articleરશિયાના વિરોધમાં વિશ્વને રસ્તા પર ઊતરવા ઝેલેન્સ્કીનો અનુરોધ
Next articleયોગીના શપથ ગ્રહણમાં ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ મોકલાયા