આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧માં ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ યોજાયો

84

તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ : સતત ૧૧ ખેલ મહાકૂંભને લીધે આજે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે : વિભાવરીબેન દવે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ માં ખેલ મહાકૂંભનું આજે ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, એક સમય હતો કે જ્યારે રમત-ગમત માટેની રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ સગવડ નહોતી, સારા કોચ નહોતાં કે સારાં મેદાનની સારી સગવડ નહોતી. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડ ઉભી થઇ છે. તેમણે કહ્યું કે, સતત ૧૧ ખેલ મહાકૂંભને લીધે આજે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલ ખેલ મહાકુંભ આજે ૧૧ વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. તેને કારણે આજે રાજ્યના નાનામાં નાના સ્થળ સુધી રમતની સુવિધાઓ ઊભી થઈ છે.

મંત્રીએ કહ્યું કે, આ બધી વ્યવસ્થાઓને પરિણામ પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. આજે સરિતા ગાયકવાડ, ભાવના પટેલ જેવી ખેલાડીઓ વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન અંકિત કરી છે એના મૂળમાં ખેલ મહાકુંભની વ્યવસ્થાઓ રહેલી છે. તેમણે જણાવ્યું કે, માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આગળ વધવું એવો જુના ખ્યાલ બદલીને આજે સ્પોર્ટ્‌સમાં પણ આગળ વધી શકાય છે, કારકિર્દી બનાવી શકાય છે અને પોતાના સાથે સમાજનું નામ રોશન કરી શકાય છે તેવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે.
રમત ખેલાડીઓમાં મુશ્કેલીઓ- મુસીબતોમાંથી બહાર નીકળવાની ક્ષમતા આપોઆપ ખીલે છે. તેઓ જીવનમાં નિષ્ફળ જતાં નથી. તેમનામાં નિરાશા આવતી નથી કે નાસીપાસ થતાં નથી. રમતવીર કોઈપણ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી પોતાનો માર્ગ બનાવે છે. રમતગમતથી સંઘભાવના પ્રબળ બને છે. સહનશીલતા અને સામર્થ્ય જેવાં ગુણો રમતવીરમાં આપોઆપ ખીલે છે. ભાવનગરમાં શરૂ થયેલાં ખેલ મહાકુંભ દ્વારા અનેક ખેલાડીઓને ખીલવાનો અવસર મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મેયર કિર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે આપણને યોગા ડાન્સ આવાં કાર્યક્રમોમાં જોવા મળતો હોય છે પરંતુ આજે અહીં કરાટે ડાન્સ જોવાં મળ્યો છે જે એક અનોખો ખ્યાલ છે. કરાટે ડાન્સને લઈને તેમણે કહ્યું કે, દીકરીઓ આ કળા હસ્તગત કરીને પોતાનું રક્ષણ કરી શકે છે અને પોતાનું આત્મસંરક્ષણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રમત તમને સહનશક્તિને ખીલવે છે. હારને કેવી રીતે પચાવવી અને તેમાંથી કેવી રીતે બહાર આવવું તેના ગુણો મેદાન પણ કેળવાય છે. આ સાથે જીતને પણ અતિ ઉત્સાહમાં ન આવીને પચાવવાની ક્ષમતા રમતને લીધે શક્ય બને છે. રમત-ગમતથી સંઘભાવના અને સંગઠન શક્તિ વિકસે છે. આ સાથે રમતથી તંદુરસ્તી પણ જળવાઈ રહે છે તેમ જણાવી તેમણે વિદ્યાર્થીઓને સીદસર ખાતે આવેલાં આધુનિક સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષનો લાભ લઈને ભાવનગર શહેરનું નામ વૈશ્વિક સ્તર સુધી ગુંજતુ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ યોજાઇ હતી. આ બધી રમતોમાં ૧ લાખથી વધુ રમતવીરોએ ભાગ લઇને પોતાની કલાનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે અધિક જિલ્લા કલેકટર શ્રી બી.જે.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન. જી. વ્યાસ, જિલ્લા રમત-ગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleયોગીના શપથ ગ્રહણમાં ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ મોકલાયા
Next articleગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કરશન વેગડની અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલની નિમણુક