કોંગ્રેસના કાર્યકરોએ બન્નેને ફુલહારી પહેરાવી સન્માન કર્યુ : જિલ્લાને નવા કોંગ્રેસ પ્રમુખ મળતા તમામ તાલુકા મથકો પર કોંગ્રેસને મજુબત કરવાના આપ્યા એંધાણ : કોંગ્રેસ દ્વારા રાજ્યના ૧૯ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે સમગ્ર રાજ્યના ૧૯ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોની વરણી કરી છે. ત્યારે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલની નિમણુક કરવામાં આવી હતી. જેથી આજરોજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ ફુલહાર પહેરાવી તેમનું સન્માન કર્યુ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૧૯ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ નિરુભા ગોહિલની વરણી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કરશન વેગડની વરણી કરવામાં આવી છે. ત્યારે આ બંને નેતાઓને ફુલહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ નિરુભા ગોહિલની રાજનીતિ કારકિર્દી જોઈતો ૬૧ વર્ષની ઉંમરમાં તેઓ ૩૬ વર્ષથી કોંગ્રેસમાં સેવા આપી રહ્યા છે. જેમાં ૧૯૮૬ થી ૧૯૯૦ સુધી ઘોઘા યૂથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ ૧૯૯૫ થી ૨૦૦૫ સુધી ઘોઘા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ૨૦૦૩ થી ૨૦૧૦ સુધી ઘોઘા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા ૨૦૧૦ થી ૨૦૧૭ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. ત્યારે હાલમાં કોંગ્રેસ પક્ષે તેઓને ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કરશન ભીખાભાઈ વેગડની આજે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેમની રાજનીતિ કારકિર્દીની જોઈતો ૭૦ વર્ષની ઉંમરમાં તેઓએ કોંગ્રેસમાં રહી અનેક સેવાઓ કરી ચુક્યા છે. તેઓ ૧૯૭૧થી કોંગ્રેસ પક્ષમાં સક્રિય છે. ૩૦ વર્ષ સંગઠનમાં કામગીરી કરી છે. વર્ષ ૨૦૦૦ની સાલમાં સૌ પ્રથમ જિલ્લા પંચાયત તુરખા સીટ પરથી ચૂંટણી લડી અને જંગી મતે ચૂંટાયા (સ્ટેન્ડિંગ કમિટીના કારોબારી ચેરમેન રહેલ) હતા. વર્ષ ૨૦૦૨માં પાલીતાણા વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા હતા, ત્યાં ખુબજ ઓછા માર્જિનથી હાર્યા હતા. જે બાદ વર્ષ ૨૦૦૭માં ઘોઘા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જૂનાગઢ અને સુરેન્દ્રનગર કોંગ્રેસના પ્રભારી તરીકે નિષ્ટાથી ફરજ નિભાવી ચુક્યા છે. હાલમાં પાર્ટીએ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બનાવ્યા છે.કોંગ્રેસના નવયુક્ત ઉપપ્રમુખ કરશન વેગડે જણાવ્યું હતું કે, નવા માળખાની જે રચના કરવામાં આવી છે. તેને લઈ હવે કાર્યકર્તાઓને સાથે રાખીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ મોટી લીડથી જીતીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.