પેટ્રોલ ફરી ૧૦૦ને આંબવામાં, રૂા.૯૯.૨૩ પ્રતિ લીટર

57

ડિઝલ રૂા.૯૩.૩૩ પ્રતિ લીટર થયું : ઇંધણના ભાવમાં મળેલી રાહત ચૂંટણીલક્ષી હોય તેમ ફરીથી ક્રમશઃ વધારો ઝીંકવાની શરૂઆત
પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની પરંપરા ફરી શરૂ થઇ છે અને દરરોજ ૮૦ પૈસા જેટલો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ગઇકાલે એક દિવસ રાહત બાદ આજે ફરી ભાવ વધારો આવ્યો હતો જેના કારણે ભાવનગરમાં પેટ્રોલ (એચ.પી.) પ્રતિ લીટર રૂા.૯૯.૨૩ થયું છે. ગત તા.૨૨ અને ૨૩મીએ ભાવ વધારા બાદ ૨૪મીએ એક દિવસ રાહત રહી હતી ત્યાં આજે ભાવ વધારી આર્થિક ડામ દેવાયો છે. પેટ્રોલ-ડિઝલમાં ભાવમાં રાહત જાણે ચૂંટણી પુરતી જ હોય તેમ જુદા જુદા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે હવે સરકારે ફરીથી ભાવ વધારાનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. ગઇકાલને બાદ કરતા અગાઉના બે દિવસ પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધાર્યાં બાદ આજે પણ ૮૦ પૈસાનો વધારો ઝીંક્યો છે. આ સાથે ભાવનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂા.૯૯.૨૩નું થયું છે. જ્યારે ડિઝલના ભાવ ૯૩.૩૩ પ્રતિ લીટર થયા છે. જાણકારોના મત મુજબ ભાવ વધારાનો કોરડો વિંઝવાનું આગામી દિવસોમાં પણ યથાવત રહેશે !
ભાવનગરમાં CNGનો ભાવ ૭૦ને પાર,PNGનો ભાવ ૪૬ થયો
અદાણી કરતા સસ્તો ગેસ વાપરતા ગુજરાત ગેસના ગ્રાહકો પર પણ આર્થિક કોરડો વીંઝાયો
પેટ્રોલ, ડીઝલ સાથે હવે સસ્તો ગણાતો સીએનજી પણ મોંઘો થતો જાય છે તો ગેસના બાટલાની સાથે પીએનજીના ભાવમાં પણ ભાવ વધારો થયો છે. આમ,જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે. ગુજરાત ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. આથી વધારા સાથે સીએનજીનો ભાવ પ્રતિકીલો રૂ.૭૦.૫૩ થયો છે, જયારે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા મળતા રાંધણગેસ – પીએનજીના ભાવમાં વધારો થતાં ભાવ રૂ. ૪૬ થયો છે. મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ રૂ. ૫૦નો તોતિંગ વધારો થયો છે. ત્યાં હવે ગુજરાત ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.૩ અને પીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.૪નો વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારાના પગલે અદાણીની સરખામણીમાં સસ્તો ગેસ વાપરતા ગુજરાત ગેસના ગ્રાહકોને પણ હવે વધુ પૈસા ચુકવવા પડશે. આવા ગ્રાહકો પર દર મહિને વધારાનો આર્થિક બોજ આવી પડયો છે. ગુજરાત ગેસે ૧લી જાન્યુઆરીએ વધારો કર્યા બાદ આજે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.૩નો વધારો કરતા નવો ભાવ રૂ.૭૦.૫૩ થયો છે. જ્યારે પીએનજીમાં પ્રતિ કિલો રૂ.૪નો વધારો કરતા નવો ભાવ રૂ.૩૯.૦૫ થયો છે. પીએનજીમાં ગુજરાત ગેસ ૧૫ ટકા વેટ અલગથી વસૂલ કરે છે.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો ૮ મો પદવીદાન સમારોહ યોજાયો
Next articleગારીયાધારમાંથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બગસરા પંથકનો બાવાજી શખ્સ ઝડપાયો