ભારતની ઔષધિઓની શક્તિ સ્વિકારતું વિશ્વ

54

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સમજૂતી પર જિનેવામાં ભારત-WHO વચ્ચે હસ્તાક્ષર : ગુજરાતના જામનગરમાંઆ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે
નવી દિલ્હી, તા.૨૬
ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. ભારતના મસાલા, ઔષધિઓ અને તેના મહત્વને દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે. ફુદીનો હોય, તુલસી હોય કે લીમડો, સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી આ વનસ્પતિનો ઉપયોગ હવે દુનિયાભરના લોકો સમજી રહ્યાછે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)એ વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે સમજૂતી કરી છે. ગુજરાતના જામનગર શહેરમાં આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરીને આ બાબતે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતની પરંપરાગત ઔષધિઓ અને સારા સ્વાસ્થ્ય માટેની પદ્ધતિઓ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહી છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સંબંધિત સમજૂતી પર સ્વિટ્‌ઝરલેન્ડના જિનેવામાં ભારત સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટરે પાંચમા આયુર્વેદ દિવસ પર ૧૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ આની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપનાને ૯મી માર્ચના રોજ મંજૂરી આપી છે.
ડબલ્યૂએચઓએ જણાવ્યું કે, પરંપરાગત ચિકિત્સાના વૈશ્વિક જ્ઞાનના આ કેન્દ્ર માટે ભારત સરકારે ૨૫૦ મિલિયન ડોલરની સહાયતા કરી છે. આનો ઉદ્દેશ લોકો અને પૃથ્વીના સ્વાસ્થ્યમાં સુધાર માટે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી દુનિયાભરમાં પરંપરાગત ચિકિત્સાની ક્ષમતાનું વહન કરવાનો છે. આજના સમયમાં દુનિયાની લગભગ ૮૦ ટકા વસ્તી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે આજે ઉપયોગમાં લેવામાં આવતી ૪૦ ટકા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્‌સ પ્રાકૃત્તિક પદાર્થોથી પ્રાપ્ત થાય છે, જે જૈવિક વૈવિધ્યના સંરક્ષણના મહત્વને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, એસ્પિરિનની શોધ વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરતાં પરંપરાગત પદ્ધતિઓ પર આધારિત છે. બાળકોમાં કેન્સરની સારવાર રોસી પરિવિન્કે ફૂલ પર આધારિત છે. મેલેરિયાની સારવાર માટે આર્ટમિસિનીન પર નોબેલ પુરસ્કાર વિજેતાએ પ્રાચીન ચીની ગ્રંથોની સમીક્ષા કરીને શોધ શરુ કરી હતી. ડબલ્યૂએચઓના ડોક્ટર ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસએસે જણાવ્યું કે, દુનિયાભરના લાખો લોકો માટે અનેક બીમારીઓની સારવાર માટે આજે પણ પરંપરાગત ચિકિત્સા પ્રથમ વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે, અમારું મિશન તમામ લોકોને સુરક્ષિત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે આ બાબતે સહયોગ કરવા બદલ ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆજથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ, અનેક નિયંત્રણો હટાવાયા