૨૨૫ બિલ્ડીંગોના ૨૨૬૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે : ઉચ્ચ અધિકારીઓ પરીક્ષાર્થીઓને આવકારશે
આગામી ૨૮મી માર્ચથી ભાવનગર સહિત રાજ્યભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે ભાવનગર શિક્ષણાધિકારી કચેરી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે તે માટેનો એક્શન પ્લાન પર તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડના પરીક્ષાર્થીઓ માટે આવતીકાલે તા.૨૭મીએ બેઠક વ્યવસ્થા જોવા તમામ પરીક્ષા કેન્દ્રો ૪ થી ૬ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. ભાવનગર શહેર-જિલ્લામાં ધો.૧૦ના કુલ ૪૩,૩૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.૧૨ સા.પ્ર.માં કુલ ૧૮૦૨૫ વિદ્યાર્થી અને ધો.૧૨ વિ.પ્ર.માં ૪૬૭૮ વિદ્યાર્થીઓ જુદા જુદા ૨૨૫ જેટલી બિલ્ડીંગોના ૨૨૬૭ બ્લોકમાં પરીક્ષા આપશે. તમામ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ આવી ચુકી છે જ્યારે આવતીકાલે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોઇ શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં આવતીકાલે વન રક્ષક સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી સવારના બદલે સાંજે ૪ થી ૬ બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ જોઇ શકશે. ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર આવતીકાલે તા.૨૭મીએ સાંજે ૪ થી ૬ દરમિયાન શાળાઓ ખુલ્લી રાખવા જણાવવામાં આવ્યું છે.
તા.૨૮ને સોમવારે ધો.૧૦ના વિદ્યાર્થીઓનો સૌપ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને ફુલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. વિદ્યાર્થીઓ સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે અને પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો નજીકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ પણ ગોઠવાશે તેમજ સરકારી તંત્ર દ્વારા પરીક્ષાલક્ષી તમામ જાહેરનામાઓ આ અગાઉ પ્રસિદ્ધ થયા છે તેનો ચુસ્ત અમલ થશે. બોર્ડની પરીક્ષાને લઇને સરકારી તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે જેમાં ખાસ કરીને ગેરરીતિ કે જાહેરનામા ભંગ બદલ જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધાશે. જ્યારે ૨૮મીથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન અને કન્ટ્રોલ રૂમ પણ શરૂ થશે જે સવારના ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પરીક્ષાને મુંઝવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન લઇ શકશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને, પરીક્ષા પહેલા ઇજા પામેલ વિદ્યાર્થીઓને સગવડતા માટે ડીઇઓ કચેરી દ્વારા નિયમ મુજબ રાઇટર અપાય છે તે મુજબ રાઇટર આપવામાં આવસે.