આજથી પંચાયતના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે

55

કામગીરી શરૂ, રિપોર્ટીંગ બંધ, ૩૧ મીએ મોબાઈલ પણ જમા કરાવી દેશે : ગ્રેડ-પે, ક્ષેત્રિય-કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું અને રજાના દિવસોમાં ફરજ બજાવ્યાનો પગાર આપવાની માંગણી પ્રત્યે દુર્લક્ષ્ય સેવાતા આંદોલનનું બ્યૂંગલ ફૂંક્યું
પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકારે દુર્લક્ષ્ય સેવતા આરોગ્ય કર્મચારીઓએ ફરી એક વખત આંદોલનનું બ્યૂંગલ ફૂંકી પોતાની વ્યાજબી માંગણીઓનો હલ લાવવા સરકાર સામે બાયો ચડાવી છે. સોમવારથી ભાવનગર જિલ્લા પંચાયત હેઠળના તમામ આરોગ્ય કર્મચારી કામગીરી શરૂ રાખશે, પરંતુ તેનું રિપોર્ટીંગ બંધ રાખી આંદોલનમાં જોડાશે. પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ અપગ્રેડ કરી ગ્રેપ-પેમાં સુધારો કરવા, ટેકનિકલ કેડરના ફાર્માસિસ્ટનો છઠ્ઠા પગાર પંચ મુજબ ૪૬૦૦ ગ્રેડ-પે કરવા, લેબ. ટેકના પગાર ધોરણમાં સુધારો કરી રૂા.૧૪૦૦-૨૬૦૦નું કરવા, આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું ક્ષેત્રિય ભથ્થું આપવા અને જાહેર રજા-રવિવારના દિવસે આરોગ્ય કર્મચારીઓએ બજાવેલી ફરજનો પગાર તેમજ કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું આપવાની છેલ્લા ઘણાં સમયથી માંગણી છે. પરંતુ તેમની માંગણી સંતોષવામાં ન આવતા રાજ્યભરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આગામી ૨૮મી માર્ચને સોમવારથી આંદોલન છેડવાની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘે જાહેરાત કરી છે.
જેથી આરોગ્ય કર્મચારીઓ ૨૮મીએ જોબ ચાર્ટને લગતા વર્કલોડ, રાજ્ય સરકારની યોજના, કાર્યક્રમોની તમામ કામગીરી કરશે પરંતુ તેની માહિતી-રિપોર્ટ આપશે નહીં. સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા તમામ કેડરના તમામ પ્રકારના ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટીંગ બંધ રખાશે. તમામ કેડરના ડેઈલી-વિકલી અને મંથલી રિપોર્ટ નહીં કરે. મ.પ.હે.વ. અને ફિમેલ હેલ્થ વર્કરનો ટેકો મોબાઈલ ત્રણ દિવસ લોગઆઉટ કરી સ્વીચ ઓફ કરી દેવાશે અને ત્યારબાદ ૩૧મી માર્ચે તાલુકા આરોગ્ય કચેરી ખાતે મોબાઈલ જમા કરી દેશે. આ ઉપરાંત ફાર્માસિસ્ટને લાગુ પડતા તમામ ડેઈલી, મંથલી, રિપોર્ટ, ઈ-ઔષધી, ઈ-વીન મોબાઈલની ઓનલાઈન કામગીરી મેડીકલ ઓફિસરને જમા કરાવી દેવાશે. એલ.ટી.ની એલઆઈએસ કામગીરી, અન્ય ઓનલાઈન કામગીરી બંધ રખાશે. સ્ટાફનર્સને લગતી રિપોર્ટીંગ કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. ડેટા ઓપરેટરને કોઈપણ લેખિત કે મૌખિક માહિતી આપવામાં નહીં આવે. જ્યારે ૪ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે ઉપવાસ અને ધરણાં અને અન્ય આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જણાવાયું છે.

Previous articleજિલ્લા કક્ષાના ખેલ મહાકુઁભની જુડો રમતમા શાનદાર પ્રદર્શન કરતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો
Next articleખતરા શોમાં બબીતાને જોઈને આઉટઓફ કંટ્રોલ થયા સ્પર્ધક