ધોનીની ફિફ્ટી બરબાદ, કોલકાતાએ ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું

453

મુંબઇ,તા.૨૭
આઇપીએલ ૨૦૨૨ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ ૫૦ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ લક્ષ્યનો પીછો ૧૮.૩ ઓવરમાં ચાર વિકેટના નુકસાને કરી લીધો હતો. કેકેઆર તરફથી અજિંક્ય રહાણેએ ૪૪ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરનાર ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી. ઋતુરાજ ગાયકવાડે શૂન્ય, ડેવોન કોનવે ત્રણ રન, રોબિન ઉથપ્પા ૨૮ રન, અંબાતી રાયડુ ૧૫ રન અને શિવમ દુબે ત્રણ રન બનાવી આઉટ થયા હતા. ચેન્નાઈએ ૬૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ધોની અને રવિન્દ્ર જાડેજાએ ૫૬ બોલમાં ૭૦ રનની અણનમ ભાગીદારી કરી હતી. ધોની અને જાડેજાએ છેલ્લી પાંચ ઓવરમાં ૫૮ રન ઉમેર્યા હતા. જાડેજા ૨૮ બોલમાં ૨૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ૨૦મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. કોલકાતા તરફથી ઉમેશ યાદવે બે જ્યારે વરુણ ચક્રવર્તી-આંદ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.ધોનીએ ૩૮ બોલમાં અડધી સદી ફટકારી હતી. તે ૩૮ બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. ધોનીની આઈપીએલ કારકિર્દીની આ ૨૪મી અડધી સદી હતી. તેણે ૩૫ મહિના પછી આઇપીએલમાં ફિફ્ટી ફટકારી. તેણે છેલ્લી પચાસ સદી ૨૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બનાવી હતી.

Previous articleખતરા શોમાં બબીતાને જોઈને આઉટઓફ કંટ્રોલ થયા સ્પર્ધક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે