“ગિરધરભાઇ.એક સવાલ પૂછું?”રાજુ રદીએ વિન્રમતાથી સવાલ પૂછ્યો.
“રાજુ. તું આટલી અદબથી કહે છે. સવાલ પૂછી લે” મેં પણ સામે ઉદારતા દાખવી. “ ગિરધરભાઇ.તમે કેટલા હિંમતવાન છો?” રાજુએ લોઅર ટ્રેજેકટરી બોલ ફેંક્યો.
“ રાજુ. તું શું કહેવા માંગે છે? હું હિંમતવાન છું. મારે પુરાવો આપવાની શી જરૂર છે?” હું થોડો અકળાયો.
“ગિરધરભાઇ. તમે ઘર બહાર લટાર મારવાનું કહી ગલવાન ઘાંટીમાં ચીનાઓ સામે બાથ ભીડવા જઇ શકો?” રાજુએ ઇન સ્વિંગ બોલ ફેંકી મારી ડાંડી ખેરવી દીધી.
“રાજુ.તારી ભાભીને પૂછ્યા વગર કે કહ્યા વિના પાનના ગલ્લે સિગારેટ ફૂંકવા( આપણા લોકો સિગારેટ પીધી તેમ કહે છે હકીકતમાં સિગારેટ ફૂંકવાની હોય છે!!)પણ જઉં નહીં. પછી ગલવાન ઘાટીમાં સડવાનો સવાલ ઉભો થતો નથી.” મેં કેફિયત રજૂ કરી.“ગિરધરભાઇ.સિગારેટની વાત પરથી એક વાત યાદ આવી. એક ભાઇના લગ્ન થયા. પત્નીને સિગારેટ પીવાના શોખ કે ટેવ વિશે ફોડ પાડ્યો ન હતો. રોજ સાંજે વાળુપાણી-તમારી ભાષામાં ડીનર કર્યા પછી કશું કહ્યા વગર અડધો-પોણો કલાક બહાર જતો રહે. પાનના ગલે જઇ રોથમેન્સ સિગારેટ પી માઉથ ફ્રેશનર ખાઇ સિગારેટની દુર્ગંધ ઓછી થાય પછી ઘરે આવે. પત્નીની કયાં ગયા હતાની પૃચ્છામાં ગળચવા ગળે!!પત્નીને લફરાની આશંકા થઇ. પેલો ગોરધન સિગારેટના વ્યસન વિશે વિગતે ખુલાસો કરતા ડરતો હતો, રખેને છૂટાછેડા થઇ જાય!!અંતે એ ડર સાચો ઠર્યો.!!!” રાજુએ “સિગારેટ એક ડીવોર્સ સ્ટોરી“ પ્રસ્તુત કરી.
“રાજુ. શું વાત કરે છે?” મેં કહ્યું.
“ ગિરધરભાઇ. તમે તો ભાભીને કહ્યા વિના પાનના ગલ્લે જઇ શકતા નથી .જયારે એક બિન નિવાસી યુક્રેનિયને પત્નીને લટાર મારવા જઉં છું કહીને ફલાઇટ પકડી યુક્રેનમાં લડવા પહોંચી ગયા.એક સેલ્સમેન પત્ની એને નાના પુત્રીની રંજ લઇ લડવા કફન બાંધીને નીકળી ગયો. પરિવારને જીવ્યા મર્યાના જુહાર પણ કહી દીધા.બ્રિટિશ સૈનિક યુક્રેનના યુધ્ધના સમાચાર વાંચી લડવા પહોંચી ગયો. લગભગ છાંસઠ હજાર બિન નિવાસી યુક્રેનિયન સુખ સગવડભરેલી જિંદગીને તિલાંજલિ આપી લડવા યુક્રેન પહોંચી ગયા. યુક્રેન સિવાયના દેશોમાંથી યુક્રેનમાં લડવા તેત્રીસ હજાર લડવૈયા યુક્રેનમાં પહોંચ્યા છે!! યુર્ક્નના યુધ્ધે મહાભારતના યુધ્ધનો દરજ્જો મળી ગયો છે. આજે યુધ્ધનો અઢારમો દિવસ છે . પા કરોડ લોકો પાલેન્ડ, રોમાનિયા, હંગેરી જેવા પાડોશી દેશોમાં હિજરત કરી છે!!
“રાજુ, તારી પાસે પાસે પાસપોર્ટ છે?
“ ગિરધરભાઇ. મારી પાસે પાસપોર્ટ છે.” રાજુએ કહ્યું.
“રાજુ. તે નાનપણમાં પિસ્તોલમાં ચાંદલિયા ફોડેલ હતા?” મેં પૂછયું
“રાજુ. નાનપણમાં ફોડેલ ચાંદલિયાના અનુભવના આધારે યુક્રેન લડવા પહોંચી જા.” મેં કહ્યું.ફૂટેલી મિસાઇલ જેવું મોઢું કરી હેં હેં કરતો નીકળી ગયો.!!
-ભરત વૈષ્ણવ