ધો.10ના 43,327 અને ધો. 12ના 18,025 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં શહેરની બી.એમ.કોમર્સ સ્કૂલ ખાતે ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા બાળકોને ઉપસ્થિત રહી પ્રોત્સાહિ કર્યા હતા.
તથા શાંતિલાલ શાહ હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.ભાવનગર શહેર-જિલ્લામાં ધો.10ના કુલ 43 હજાર 327 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધો.12 સા.પ્ર.માં કુલ 18 હજાર 025 વિદ્યાર્થી અને ધો.12 વિ.પ્ર.માં 4678 વિદ્યાર્થીઓ જુદા જુદા 225 જેટલી બિલ્ડીંગોના 2267 બ્લોકમાં પરીક્ષા આપશે. આજથી ભાવનગર સહિત રાજ્યભરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે,
તા.28ને સોમવારના રોજ ધો.10માં વિદ્યાર્થીઓનો સૌપ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષાથી પ્રારંભ થયો હતો, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને ફુલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
વિદ્યાર્થીઓ સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે અને પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો નજીકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ પણ ગોઠવામાં આવ્યું છે. તેમજ સરકારી તંત્ર દ્વારા પરીક્ષાલક્ષી તમામ જાહેરનામાઓ આ અગાઉ પ્રસિદ્ધ થયા છે તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે. દયાનંદ કન્યા વિદ્યાલય-સોનગઢમાં માર્ચ ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિધાર્થીઓ ભય મુક્ત અને શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપે તથા જવલંત સફળતા મેળવે તેવા શુભ આશયથી શાળાના સ્થળ સંચાલકની એન.જે.ધાંધલા, પીઠાભાઈ ગુરુજી અને ગુરૂકુલ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ ચૌહાણે ગુલાબ આપી, મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યો હતા.