ભાવનગર જિલ્લામાં પોસ્ટ કર્મીઓએ વિવિધ માંગણીઓ સાથે હડતાલ કરી ઘરણાં યોજ્યા

72

કર્મચારી વિરોધી નીતિ અને ખાનગીકરણ સામે રોષ, ત્રણેય પાંખના યુનિયન જોડાયા
દેશમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ બેંકના કર્મચારીઓ પોતાની વિવિધ માંગ સાથે આજથી બે દિવસની હડતાળમાં ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોય યુનિયન ગુજરાત સર્કલ દ્વારા તેની વિવિધ માંગણીઓને લઈ બે દિવસ હડતાળનું એલાન કર્યું હતું. જેના પગલે આજરોજ ભાવનગરમાં હાઈકોર્ટે રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસની બ્રાન્ચ ખાતે કર્મચારીઓએ ધરણા યોજી હડતાળમાં જોડાયા હતા. ભારત સરકારની કર્મચારી વિરોધી નીતિ તેમજ સરકારી વિભાગોના ખાનગીકરણના વિરોધમાં તા.28 અને 29 માર્ચ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ભાવનગર જિલ્લાના દરેક કેડરના કર્મચારીઓ જોડાઈને સજ્જડ હડતાળ પાડી હતી. કર્મચારીઓની વિવિધ માંગણીઓમાં પોસ્ટ વિભાગમાં જુની પેન્શન સ્કીમ લાગુ કરવી, ખાનગીકરણના વિરોધમાં, સમયને અનુસાર ટેકનોલોજીની માંગ સાથે તેમજ ખાલી જગ્યા ભરવી, કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને વળતર, મોંઘવારી ભથ્થાની બાકી રહેતી રકમની માંગ, અઠવાડિયામાં શનિવારે રજા આપવી, 18 મહિનાનું રોકી રાખેલું મોંઘવારી ભથું તાત્કાલિક ચૂકવવું, એકાઉન્ટન્ટને વિશેષ ભથ્થું ચૂકવવું સહિતની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા યુનિયનના ત્રણેય પાંખના યુનિયનના હોદ્દેદારો સહિત કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટલ એમ્પ્લોયઝના નેજા હેઠળ કાર્યરત ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયઝ યુનિયન ગ્રુપ સી, પોસ્ટમેન એમ.ટી.એસ તેમજ ગ્રામીણ ડાક સેવક યુનિયન આ હડતાળમાં જોડાયા હતા. પોસ્ટ વિભાગના કર્મચારીઓમાં સરકારની નીતિરીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Previous articleભાવનગરમાં 225 બિલ્ડીંગોના 2267 બ્લોકમાં પરીક્ષા લેવાશે, ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને આવકાર્યા
Next articleભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં 30 વર્ષ જૂના પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડ્યો, ટાંકાની અંદર જ કાટમાળ પડતા દુર્ઘટના ટળી