બપોરે ઘો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો તથા વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના અનુસાર સ્થાનિક પ્રશાસનના સંકલન સાથે શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રથમ પેપરની પરીક્ષા આપી હતી. આજરોજ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર અને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસે શહેરની જુદી જુદી શાળાઓમાં વહેલી સવારે પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં પ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષામાં કુલ ૩૩,૮૩૬ વિદ્યાર્થી નોંધાયા હતા તે પૈકી ૩૨,૮૮૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૯૫૫ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. જ્યારે બપોર સેશનમાં ધો.૧૨ સા.પ્ર.માં નામાંના મૂળતત્વો વિષયની પરીક્ષામાં કુલ ૫૮૬૮ વિદ્યાર્થી નોંધાયા હતા, તે પૈકી ૫૭૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ૧૦૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં, તે રીતે ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ ૪૫૯૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકી ૪૫૫૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જયારે ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટે કુલ ત્રણ ઝોન કાર્યરત કરાયા છે જેમાં શહેરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ, મુક્તાલક્ષ્મી હાઇસ્કૂલ અને મહુવાની કે.જી. મહેતા કન્યાશાળા સહિતના ત્રણ ઝોન કાર્યરત કરાયા છે. પરીક્ષા શાંતિમય માહોલમાં લેવાય અને વિદ્યાર્થીઓ ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તે માટે જવાબદાર તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.