ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું મોરારિબાપુ દ્વારા ઉદ્‌ઘાટન

1464

ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે પૂ.મોરારી બાપુની પાવન નિશ્રામાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો ઉદ્દઘાટન કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન પૂ.બાપુએ દીપ પ્રાગટ્ય કરી કરેલ.
ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે આશીર્વચન આપતા પૂ.મોરારી બાપુએ જણાવેલ કે કેળવણી, શિક્ષણ, વિદ્યા શબ્દોના મૂળમાં જ્ઞાન છે અને તેનું સ્થાન ખૂબ ઊંચુ છે. જ્ઞાન હતું, છે અને રહેશે. જ્ઞાનની ગંગાને ઉપરથી નીચે લાવવાની જરૂર છે. આજના શિક્ષકની દશા સારી છે, પણ દિશા સારી નથી તેવી માર્મિક ટકોર કરી બાપુએ જણાવેલ કે શિક્ષકોની દશા સારી થવી જ જોઈએ પણ સાથોસાથ દિશા ચૂક ન થાય તે પણ અત્યંત જરૂરી છે.
શિક્ષકના પંચ મુખ હોવા જોઈએ. કેળવણી સરકાર, સમાજ, વાલી, વિદ્યાર્થી, વિચારધારા આ પંચમુખમાં બંધિયાર ન થવી જોઈએ. અશિક્ષિત ખારા હોય છે, જે રત્નો મથ્યા વગર કોઈને ન આપે અને વધારે મથવામાં આવે તો વિષ આપે. આ અશિક્ષિત ખારાપાટ સમા સમુદ્રમાં મીઠી વીરડી શિક્ષક જ પ્રગટાવી શકે તેમ છે. કેળવણીની ગંગા સમુદ્ર સુધી પહોંચવી જ જોઈએ.
વેદનાથી ભરેલ સમાજ સુધી કેળવણીને પહોંચાડવાની ખાસ જરૂર છે. બ્રહ્માના ચાર મુખ સમા ગુજરાતી કેળવણી પરિષદના ચાર નવા કેન્દ્રો બન્યા છે તેની પ્રસન્નતા વ્યક્ત કરી બાપુએ જણાવેલ કે કેળવણીને ઊંચી નથી લઈ જવાની અને તેના સ્તરને નીચું નથી લાવવાનું તે આપણા સૌની જવાબદારી છે.ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવેલ કે ગુજરાતી કેળવણી પરિષદને વ્યક્તિત્વના નહીં, પણ વિભૂતિના આશીર્વચન છે. બધા કામ કરતા થયા છે તો અમે મહુવામાં બાપુ પાસે રહેનારા કેમ કંઈક ન કરીએ તે ઉદ્દેશ્યથી મહુવાના કેન્દ્રનો પ્રારંભ થયો છે. શિક્ષણનું સ્તર હવે આનાથી નીચું ન જાય તે માટે શિક્ષકે જ હવે સૂત્રધાર, અગ્રણી અને આગેવાન બની મજબૂત બી રોપી કેળવણીને નવું સ્વરૂપ આપવું પડશે. ગુજરાતી કેળવણી પરિષદ હવે વિમાનની ભાષામાં ટેઈક ઓફની સ્થિતિમાં છે.

Previous articleરાજુલાના વાવડી ગામ નજીક બાઈક પરથી પડી ગયેલ મહિલા ટ્રક નીચે આવી જતા મોત
Next articleતળાજાના વાડી વિસ્તારના મકાનમાંથી રોકડ અને દાગીનાની થયેલી તસ્કરી