તળાજામાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેફામ બની રોજબરોજ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. અગાઉ થયેલ ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં આજરોજ તળાજાના વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી રૂમના કબાટમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી નાસી છુટ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજાના બાલા જબરની વાડીમાં રહેતા કલ્પેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ પરિવારના સભ્યો સાથે મજુરી કામ અર્થે ગયા હતા ત્યારે ઘરની પાછળ આવેલ વાડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો આવી ઘરના દરવાજાના તાળા નકુચા તોડી કબાટમાંથી ૧પ હજાર રોકડા અને દાગીનાની ચોરી કરી નાસી છુટ્યાની કલ્પેશભાઈએ તળાજા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.