મુંબઈ,તા.૨૮
IPL ૨૦૨૨ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આ સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવી. આ હાર પછી મુંબઈની ટીમને વધુ એક ઝાટકો લાગ્યો હતો. ટીમના સુકાની રોહિત શર્માને દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રવિવારના રોજ રમાયેલી આ મેચમાં ધીમી ગતિની ઓવરને કારણે ૧૨ લાખ રુપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ પર ૨૭મી માર્ચના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવર રેટને લગતો આ ટીમનો પ્રથમ ગુનો છે માટે મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્મા પર ૧૨ લાખ રુપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં મુંબઈની ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. ઈશાંત કિશનની વિસ્ફોટક ૮૧ રનોની ઈનિંગ્સને કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવીને ૧૭૭ રન બનાવ્યા હતા. જો કે, દિલ્હી કેપિટલ્સની ટીમે ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૯ રન બનાવી મુંબઈને ઘરઆંગણે જ હારનો સ્વાદ ચખાડતાં ૪ વિકેટથી મેચ જીતી લીધી હતી. ગુજરાતી અક્ષર પટેલે અંતિમ ઓવર્સમાં ૩૮ રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી મુંબઈ પાસેથી મેચ છીનવી લીધી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમઃ પૃથ્વી શૉ, ટિમ સીફર્ટ, મનદીપ સિંહ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કમલેશ નાગરકોટી મુંબઈ ઈન્ડિયન્સની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કાઈરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાયમલ મિલ્સ, બસીલ થંપી.