ચીનના શાંઘાઈમાં લોકડાઉનની જાહેરાત

144

કોરોના પહેલીવાર વુહાન શહેરથી જ ફેલાયું હતું, ત્યારબાદ તેણે પૂરપાટ ઝડપે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી હતી
બેઈજિંગ,તા.૨૮
દુનિયાને કોરોના વાયરસ મહામારીમાં ધકેલનારું ચીન પોતે જ ફરી એકવાર વાયરસની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસે સરકારની ચિંતા વધારી છે. ચીનની આર્થિક રાજધાની ગણાતા શાંઘાઈમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જેને પહોંચી વળવા માટે પ્રશાસને તબક્કાવાર લોકડાઉનની જાહેરાત કરી છે. સ્થાનિક પ્રશાસને કહ્યું કે સૌથી વધુ વસ્તીવાળું શાંઘાઈ શહેર સોમવારથી શુક્રવાર સુધી પોતાના પૂર્વ ભાગને બંધ કરશે. , ત્યારબાદ ૧ એપ્રિલથી તેના પશ્ચિમી ભાગમાં આ પ્રકારે લોકડાઉન શરૂ થશે. અત્રે જણાવવાનું કે શાંઘાઈ ૨૫ મિલિયનની વસ્તીવાળું શહેર છે. જે હાલમાં સંક્રમણનું હોટસ્પોટ બની ગયું છે.
માર્ચની શરૂઆતમાં અહીં કોવિડ કેસ વધવા લાગ્યા હતા. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે રવિવારે ૪૫૦૦થી વધુ નવા કેસની જાણકારી આપી જે ગઈ કાલ કરતા ૧૦૦૦ ઓછા હતા. પરંતુ આ આંકડો હજુ પણ ઘણો વધારે છે. આથી સરકારના હાથ પગ ફૂલી ગયા છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણ પહેલીવાર ૨૦૧૯ના અંતમાં વુહાન શહેરથી જ ફેલાયું હતું. ત્યારબાદ તેણે પૂરપાટ ઝડપે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી હતી. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે શાંઘાઈ પ્રશાસન પહેલા હુઆંગપુ નદીના પૂર્વના વિસ્તારોને બંધ કરી દેશે જેમાં તેના નાણાકીય જિલ્લા અને ઔદ્યોગિક પાર્ક સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે આ દરમિયાન લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. જાહેર ટ્રાન્સપોર્ટને બંધ રાખવામાં આવશે. આ અગાઉ અધિકારીઓએ લોકડાઉનની પહેલા ના પાડી હતી. એવી આશંકા હતી કે આ નિર્ણય વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે. કારણ કે શાંઘાઈ વૈશ્વિક શિપિંગ હબ તરીકે જાણીતુ છે. જો કે કેટલાક પ્રતિબંધો ચોક્કસપણે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે સ્થિતિ સતત બગડી રહી છે ત્યારે પ્રશાસને લોકડાઉન લગાવવા માટે મજબૂર થવું પડ્યું છે.
દેશમાં કોરોનાના નવા ૧૨૭૦ કેસ,૩૧ના મોત
નવીદિલ્હી,તા.૨૮
દેશમાં આજે કોરોનાવાયરસ રોગચાળાના નવા કેસોમાં ૧૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૨૭૦ નવા કેસ નોંધાયા છે અને ૩૧ લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના ૧૪૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪૯ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં ૧ હજાર ૫૬૭ લોકો સાજા થયા હતા. ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને ૧૫ હજાર ૮૫૯ થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૨૧ હજાર ૩૫ થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૪ કરોડ ૨૪ લાખ ૮૩ હજાર ૮૨૯ લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૩ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૪ લાખ ૨૦ હજાર ૮૪૨ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૮૩ કરોડ ૨૬ લાખ ૩૫ હજાર ૬૭૩ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨ કરોડ (૨,૨૫,૮૦,૦૫૨) થી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તે જ સમયે, કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન ૨ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

Previous articleટ્રેડ યુનિયન્સની હડતાળની દેશમાં મિશ્ર અસર, બેન્કિંગ વ્યવહાર ઠપ
Next articleવલ્લભીપુરના સરોવરીયા હનુમાનના સાનિધ્યમાં રામકથાનો પ્રારંભ