છેલ્લા એક મહિનાથી પીવાના પાણીના પ્રશ્ને ગ્રામજનો પરેશાન
ગારીયાધાર તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા છે. જેથી આ અનેક ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તેમજ ગારીયાધાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા ગારીયાધાર મામલતદાર ખાતે આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, અને જો આવનારા સમયમાં આ પાણીની સમસ્યાનો નિકાલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગ પર આંદોલન કરવા પણ તૈયાર રહેશે તેવું સરપંચે કહ્યું હતું. ગારીયાધાર તાલુકામાં અનેક ગામોમાં પીવાના મીઠા પાણીનો કકળાટ શરૂ થયો છે. છેલ્લા એકાદ મહિનાથી પીવાના મીઠા પાણીના પ્રશ્ને અહીંયાના ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગારીયાધાર તાલુકાનું છેવાડાનું ગામ આવેલું છે. શેત્રુંજી નદીના કાંઠા પર આવેલ ગામમાં પીવાલાયક પાણી ન હોવાથી પીવાલાયક મીઠા પાણી માટે અવાર નવાર તંત્રને રજૂઆત કરવા છતાં છેવાડાના ગામ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેવું ગામલોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે ગામના લોકો એ આ બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં મીઠા પાણીના પ્રશ્ન હલ ન થતાં ગ્રામજનો એ આવનાર સમયમાં ગામોને મીઠા પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીના ઘેરાવની ચીમકી ઉચ્ચારી છે.