હીટવેવ થી બચવા માટે ૧૦૮ સેવા દ્વારા આરોગ્યલક્ષી સૂચનો

54

છેલ્લાં એક અઠવાડિયામાં જ ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને ૨૫૧ લોકોની તાત્કાલિક સારવાર કરવામાં આવી
ગરમીની ઋતુ ચાલું થઈ ગઈ છે. સૂર્ય દેવતાએ તેમનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું છે. પૃથ્વી પર જેમ-જેમ હરિયાળી ઓછી થઈ રહી છે અને ગ્રીન કવર ઘટતું જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આ વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે આરોગ્ય તંત્ર પણ સજાગ બન્યું છે.
ગરમીના લીધે લૂ લાગવાના તેમજ બેભાન બનવાના બનાવો વધે તે પહેલા નાગરિકોએ શું કાળજી રાખવી જોઈએ, તે માટે ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા લોક ઉપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. જેને ધ્યાનમાં લઇને ભાવનગરના નગરજનો તેમજ જિલ્લાના નાગરિકો ઉનાળાના આ બળબળતી બપોરના ધોમધખતા તડકામાંથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકે છે. આ અંગે ૧૦૮ દ્વારા જણાવવામાં આવેલા સૂચનોમાં જણાવવામાં આવ્યું છે કે, સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું જોઈએ.. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ. આ ઉપરાંત ગરમીની પણ અસર દેખાય તો નજીકના દવાખાનામાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, લૂ લાગવાના ચિન્હો જણાય તો તરત જ ૧૦૮ ને મદદ માટે કોલ કરવો જોઈએ. જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો જોઈએ.લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. લેબર કરો જો તડકામાં કામ કરતાં હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ જેથી ઊલટી જેવી બીમારીથી બચી શકાય. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ ગરમીના લીધે પેટના દુખાવાના ૪૭, ઉલટી અને ઝાડાના ૪૨, શ્વાસ લેવાની તકલીફના ૩૫, ઉચ્ચ રક્તચાપના ૧૦, છાતીના દુઃખાવાનાં ૩૩, ગંભીર માથું દુખાવાના ૧, ટી.એન.વી. ફોલના ૪૮ અને મૂર્છાના ૩૫ એમ કુલ મળી કુલ ૨૫૧ કિસ્સાઓ સામે આવ્યાં છે. જેની ૧૦૮ તાત્કાલિક સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે.

Previous articleભાવનગરમાં ટ્રેડ યુનિયનની વિશાળ રેલી : બેંક, એલઆઇસી, પોસ્ટ, ઇન્કમટેક્સ સજ્જડ બંધ
Next articleજાગ્યા ત્યાંથી સવાર; શહેરમાં હવે તમામ જુની ટાંકી તપાસશે મ્યુ. તંત્ર