વિશ્વમાં ઓમિક્રોનના બીએ.૨નો યુરોપમાં ભારે કહેર : ફ્રાન્સની હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યામાં ઝડપથી વધારો, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં કોવિડના કેસમાં વધારો થયો
રોમ, તા.૨૮
કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટનું પેટા સ્વરૂપ બીએ.૨ યુરોપમાં કહેર મચાવી રહ્યો છે. ઈટાલીમાં બે દિવસમાં ૯૦,૦૦૦ સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે ફ્રાન્સની હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ચીનના શાંઘાઈમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એશિયાઈ દેશોમાં કોરોના કેસ સ્થિરતા દર્શાવે છે તેમજ હોંગકોંગમાં સ્થિતિ સુધરી રહી છે. બીએ.૨એ આ મહિને યુરોપ અને ચીનના કેટલાક ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સ, ઈટાલી, જર્મની અને બ્રિટનમાં કોવિડના કેસમાં વધારો થયો છે. ચીનનું શાંઘાઈ શહેર આ વેરિયન્ટ નવું હોટસ્પોટ બની ગયું છે. સોમવારે ૪૪૦૦ નવા કેસ સામે આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દેશોમાં કોરોનાની શું સ્થિતિ છે ? ફ્રાન્સ : છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સની હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ૪૬૭ વધીને ૨૧,૦૭૩ થઈ ગઈ છે. ફેબ્રુઆરી બાદ આ એક જ દિવસમાં આ સૌથી વધુ સંખ્યા છે. હોંગકોંગ : સોમવારે ૭૬૮૫ કોરોનાના નવા સંક્રમિત મળી આવ્યા હતા. વિશ્વના આ નાણાકીય કેન્દ્રમાં હવે વસ્તુઓ સ્થિર થઈ રહી છે. ચીન : શાંઘાઈમાં ૪૪૦૦ નવા કેસ મળી આવ્યા છે. બે વર્ષ બાદ ચીનમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શાંઘાઈમાં લોકડાઉન સહિત અનેક કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ઈટાલી : માત્ર બે દિવસમાં ૯૦થી વધુ નવા કેસ નોંધાયા છે. સોમવારે, ૩૦,૭૧૦ નવા સંક્રમિત મળી આવ્યા હતા. રવિવારે અહીં ૫૯,૫૫૫ કેસ મળી આવ્યા હતા. ભારત : અન્ય દેશોમાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારતમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણસર અમેરિકાએ ભારત પ્રવાસ અંગેના નિયંત્રણો હળવા કર્યા છે. ભારતનું કોવિડ રેટિંગ લેવલ ૩ એટલે કે ઉચ્ચ જોખમ ધરાવતા દેશથી ઘટાડીને લેવલ ૨ એટલે કે ઓછા જોખમવાળા દેશમાં કરવામાં આવ્યું છે.