શહેરના અગ્રણી બિલ્ડર યોગેશભાઈ ધાંધીયાનું ગઈકાલે ધોળા દિવસે ચાર શખ્સોએ જાહેરમાં અપહરણ કરી મારૂતી વાનમાં લઈ જઈ કાળીયાબીડ ખાતેના મકાનમાં ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. જે બનાવમાં પોલીસે ચારેય અપહરણકારોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તમામ મામલો કાળીયાબીડ વિસ્તારમાં આવેલ મિલ્કત બારાનો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના મેઘાણીસર્કલ ર૦૩ આરાધના ટાવરમાં રહેતા અગ્રણી બિલ્ડર યોગેશભાઈ બાલાશંકર ધાંધીયા ઉ.વ.પ૦ કાલે બપોરના સમયે પોતાનું એકટીવા સ્કુટર લઈ ક્રેસન્ટ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે મારૂતી વાન નંબર જીજે૪ બીઈ ૬૦પમાં આવેલા ચાર બુકાનીધારી શખ્સો આવી યોગેશભાઈનું અપહરણ કરી લઈ ગયા હતા. બનાવની જાણ થતા એસ.પી. સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે અપહરણકારોનું પગેરૂ મેળવી કાળીયાબીડ સાગવાડીમાં રહેતા વનરાજસિંહ મંગળસિંહ ગોહિલના મકાનમાંથી યોગેશભાઈને લોહીલુહાણ હાલતે મુક્ત કરાવી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને યોગેશભાઈ ધાંધીયાની ફરિયાદ આધારે વનરાજસિંહ મંગળસિંહ તેના ભાણેજ ધીરેન્દ્રસિંહ ઉર્ફે ધીરૂભા જીલુભા જાડેજા રે.કચ્છ, સુરેશ ઉર્ફે ગગો બારૈયા રે. જુની સાગવાડી અને સુનિલ ઉર્ફે ભોલો કાંતિભાઈ ધાપા રે.સાગવાડીવાળાને ઝડપી લીધા હતા અને ધોરણસરની અટક કરી આજરોજ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે ચારેય અપહરણકર્તાઓને ક્રેસન્ટ સર્કલ બનાવસ્થળે લાવી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી સરઘસ કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના કાળીયાબીડ ખાતે દુઃખીશ્યામબાપા આશ્રમ પાસેની હોસ્ટેલની મિલ્કત બાબતનો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં હોસ્ટેલના મુળ માલિકે આરોપી વનરાજસિંહ અને ફરિયાદી યોગેશભાઈને બન્નેને તે હોસ્ટેલ વહેંચી હતી. પોલીસે ચારેય શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી છે.