મંદીનો માર : ૧લી એપ્રિલથી હીરાના કારખાનામાં મીની વેકેશન

61

રફના ઊંચા ભાવ અને પોલિશ હીરાની ડીમાન્ડ ઘટતા રત્ન કલાકારોની રોજી પર અસર
મંદીના માર વચ્ચે ભાવનગરમાં કારખાનેદારોએ મીની વેકેશન પાળવા સ્વૈચ્છિક નિર્ણય લીધો છે જેની સીધી અસર રત્ન કલાકારોની રોજીરોટી પર થશે. જોકે, આ નિર્ણય એસોસિએશન નથી, ઘણા ખરા કારખાનેદારોએ એકત્ર થઈ આ નિર્ણય લીધો હતો. જયારે જિલ્લામાં મહુવા, પાલિતાણા વગેરે સ્થળોએ હીરાના કારખાના રાબેતા મુજબ ધમધમશે તેમ જાણવા મળ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની સ્થિતિની વચ્ચે અમેરિકાનું વલણ શું હોઇ શકે તેના અકળ મૌનને કારણે હીરાની માંગમાં ઘટાડો થયો છે, ઉપરાંત હોંગકોંગમાં કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે હીરામાં ભયંકર મંદીનું વાતાવરણ છવાઇ જતા હીરા કારખાનેદારો દ્વારા સ્વૈચ્છિક રીતે ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામભાઇ ગોરસીયાના જણાવ્યા પ્રમાણે, હીરાના ભાવમાં પડતર કિંમત પણ મળી રહી નહીં હોવાથી કારખાનેદારો મુંજાયા છે. યુક્રેન-રશિયાના યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્યારે યુધ્ધ પૂર્ણ થશે તે નક્કી નથી, અને અમરિકા તૈયાર હીરાનું સૌથી મોટું આયાતકાર છે ત્યાં નિકાસનું કામ નહિવત્‌ છે. આ ઉપરાંત હોંગકોંગ પોલીશિંગ હીરાનું મોટું મથક છે અને ત્યાં કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉન નાંખવામાં આવેલું હોવાથી કામ-ધંધા ઠપ્પ પડેલા છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે જિલ્લાના હીરા ઉત્પાદકોને માઠી અસર પહોંચી છે, અને ૫૦૦ જેટલા કારખાનેદારોએ ભેગા મળીને ૧લી એપ્રિલથી ઉત્પાદન કાપ મુકવાના હેતુથી મીની વેકેશન રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. એસોસિએશન દ્વારા મીની વેકેશનનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.

Previous articleબે વર્ષ બાદ મધ્યાહન ભોજન ; શહેરમાં ૧૭ હજાર, જિલ્લામાં ૮ લાખ લાભાર્થી
Next articleએવી સ્કૂલ ગ્રાઉન્ડ ફરતે બાંધકામ હાથ ધરાતા કોર્પોરેશને કર્યું પંચ રોજકામ