નવીદિલ્હી,તા.૩૦
ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝ માત્ર ૧૪૮ રન બનાવીને ઓલઆઉટ થયું. મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચ ૩૧ માર્ચે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જ્યારે વર્લ્ડ કપની ફાઈનલ ૩ એપ્રિલે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનું શાનદાર પ્રદર્શન વેસ્ટ ઈન્ડિઝને ભારે પડ્યું. વરસાદના લીધે મોડી શરૂ થયેલી મેચને ૪૫ ઓવરની કરવામાં આવી હતી. જે બાદ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે આ નિર્ણય પર આક્રમક શરૂઆત કરી હતી અને ૩૨.૪ ઓવરમાં ૨૧૬ રનની ભાગીદારી કરી હતી. ઓપનિંગ બેટ્સમેન રશેલ હેન્સે ૮૫ અને એલિસા હીલીએ શાનદાર ૧૨૯ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં, બેથ મૂની (અણનમ ૪૩) અને કેપ્ટન મેગ લેનિંગ (૨૬ અણનમ)ની આક્રમક ભાગીદારીએ વેસ્ટ ઈન્ડિઝને ૪૫ ઓવરમાં ૩૦૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બોલિંગ પણ શાનદાર રહી.. વેસ્ટ ઈન્ડિઝ માત્ર ૧૪૮ રનમાં સમેટાયું. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન સ્ટેફની ટેલરે સૌથી વધુ ૪૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીની દરેક મેચ જીતી છે જેથી ફાઈનલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મહિલા વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ ૩ એપ્રિલે ક્રાઈસ્ટચર્ચમાં રમાવાની છે.