“ભગવંત માન કોણ છે?” રાજુ રદીએ વેકયુમ બોમ્બ જેવો વિનાશક સમાલ પૂછ્યો.
“ તારે એનું શું કામ છે?” મે રાજુને સામો સવાલ કર્યો.
“આપણે તેનું પર્સનલ કામ છે!” રાજુએ મારા કાન આગળ તેનું મેં લાવીને ધીમા અવાજે કહ્યું.
“ રાજુ. માન સાહેબ ઉડતા પંજાબના નવા સુબા છે .સ્ટેન્ડ અપ કોમેડિયન હતા.”મેં માન સાહેબની કુંડળી રાજુ સમક્ષ રજૂ કરી.
“માનને આપણા વિધાયકો તરફ દુશ્મની છે?” રાજુએ મને પૂછયું.
“માનસાહેબે એવું શું કર્યું કે તારે આવું પૂછવું પડ્યું.?” મેં રાજુને સવાલ કર્યો.
“આ તમારા માન સાહેબે વિધાયકોના પેટ પર લાત મારી. આપણા પંજાબ અને બીજા રાજ્યોમાં “વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું “ ઉક્તિને સાર્થક કરી ગાંધી વૈદનું સહિયારું એવું પેન્શનનું -સાલિયાણું આપવાનું કામ વિરોધ વગર ચાલતું હતું. કાયદેસર -ગેર કાયદેસર ઘંધા કરી કરોડોમાં આળોટતા વિધાયકોનું નખ જમણ જેટલું પેન્શન તેમની આંખમાં કણાની જેમ ખટક્યું. એ બધા પ્રધાન ન હોવા છતાં પરધાન છે.
બત્રીસ જાતના પકવાન અને ત્રેંત્રીસ જાતના શાકના થાળમાં એક બે ધી , ડ્રાય ફ્રૂટ અને સાકરથી લસલસતી વાનગી ઉમેરવાના બદલે થાળ ઝૂંટવી લેવાનો? તમે રાજા છો. ઉદાર હાથે વિધાયકોને આપવાનું હોય. તેના બદલે એમને રસ્તે રઝળતા કરી દેવાના ? શું સમજે છે નાટકિયો માન??”રાજુ માન પર રીતસર વરસી પડ્યો. રાજુ રદીનું આ ઉગ્ર રૂપ મારા માટે નવું હતું વિધાયકો માટે રાજુના દિલમાં આટલો આદર, સ્નેહ અને શ્રધ્ધા હોય તે મારા માટે કલ્પનાતીત હતું!!
“રાજુ. તારી વાત સાચી છે. પંજાબના હાકેમ થયાને ચંદ દિવસ થયા છે. જુમ્મે જુમા થયા છે. પ્રજા હારતોરા કરે, સન્માન સમારંભો કરે, પ્રીતિ ભોજ કરાવે, રીબીન કાપી, દીપક પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કરો. કામ કરવા માટે ચૂંટણી પહેલાના ત્રણ માસ બાકી છે. અત્યારે સપરિવાર ગુરૂદ્વારામાં મથ્થા ટેકવો, ગુરૂબાની સાંભળો, લંગર કરાવો, અરદાસ કરો. હાકેમ થયાને બે દિવસ થયા નથી અને અણગમતા કે લોકપ્રિયતા ઘટાડતા નિર્ણયો લેવાના ?? તમે લખી રાખો કે મત આપ્યા પછી જનતા જનાર્દન રહેતી નથી.
દુશ્મન બને છે!! વિધાયકો આપણા માંહ્યલા છે. ઉધોગપતિ આપણા અન્નદાતા છે. એને રાજી રાખો. એને ખુશ કરો. એને જમીન, રાહતોની ખેરાત કરો. ચૂંટણીટાણે ચૂંટણી લડવા એ લોકો કરોડોનું ફંડ આપશે. આ લોકોને સ્વપ્નમાં પણ નારાજ ન કરો. આ નયા ભારત નયા ચાણક્યની નીતિ છે. ધારાસભ્યોને જમીન આપો, વિકાસ માટે ગ્રાંટ આપો.જેવી રીતે એકલવ્યે યુધિષ્ઠિરના કૂતરાનું મોં બાણથી ભરી દીધું હતું તેમ વિધાયકનું મો રૂપિયા,જમીન, ગ્રાન્ટથી ભરી દો !!” મેં રાજુને કહ્યું.
“ગિરધરભાઇ. અમારા વિધાયકોને થયેલ અન્યાય સહન નહીં કરીએ. અમે આખીને બદલે અડધી રોટલી ખાશું. શાકને બદલે લુખો રોટલો ખાઇશું. એમને દરેક મુદતનું પેન્શન મળે તો માટે ડબલ ટેકસ ભરીશું. થેપાડે થીગડાં મારીશું પણ તમામ ભૂ. પૂ.ને પેન્શનમાં એક પણ નયા પૈસાનો કાપ સહન નહીં કરીએ . આખો દેશ હચમચાવી દઇશું . લોહીનું છેલ્લું ટીપું વહેડાવી દઇશું પણ અન્યાય સામે ઝૂકશું નહીં.”રાજએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સેનાની જેવા બુલંદ જુસ્સાસભર અવાજે રણહાંક મારી!!!
કહે છે કે ભૂતપૂર્વ-ચાલુ વિધાયકોને તમામ ટર્મનું પેન્શન આપી શકાય તે માટે વર્લ્ડ બેંકની લોન લેવા અરજી કરી છે!!
-ભરત વૈષ્ણવ