બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, એચડીએફસી, નેસ્લે લાભમાં રહ્યા
મુંબઈ, તા.૩૦
શેરબજારમાં બુધવારે સતત ત્રીજા દિવસે વધારો થયો હતો અને બીએસઈ સેન્સેક્સ ૭૪૦.૩૪ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. રશિયા-યુક્રેન શાંતિ મંત્રણા સફળ થવાની આશા વચ્ચે ઈન્ફોસિસ, એચડીએફસી લિ., એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખરીદી સાથે બજારો મક્કમ રહ્યા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૭૪૦.૩૪ પોઈન્ટ અથવા ૧.૨૮ ટકાના વધારા સાથે ૫૮,૬૮૩.૯૯ ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન તે ૭૮૪.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮,૭૨૭.૭૮ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (એનએસઈ નિફ્ટી) ૧૭૨.૯૫ પોઈન્ટ્સ અથવા એક ટકાના વધારા સાથે ૧૭,૪૯૮.૨૫ પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, મારુતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. મુખ્યત્વે નફામાં રહ્યા. બીજી બાજુ ગુમાવનારાઓમાં આઈટીસી, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ અને ટાઇટનનો સમાવેશ થાય છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારો ખૂબ જ અસ્થિર છે. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોથી યુદ્ધ સમાપ્ત થવાની આશા જાગી છે. જેના કારણે સ્થાનિક બજારમાં વિશ્વાસ સાથે કારોબાર થયો હતો. ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવમાં નરમાઈથી પણ બજારને ટેકો મળ્યો હતો. તેનાથી કંપનીઓને માર્જિન પર દબાણ ઘટાડવામાં મદદ મળશે. અન્ય એશિયાઈ બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટના ભાવ વધ્યા હતા, જ્યારે જાપાનના નિક્કી નુકસાનમાં બંધ થયા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૨૫ ટકા વધીને ઇં૧૧૨.૭ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) મંગળવારે ચોખ્ખા ખરીદદાર હતા અને તેમણે રૂ. ૩૫.૪૭ કરોડના શેર ખરીદ્યા હતા,.