શિહોરના વળાવડ ગામે આયોજીત શિબિરમાં સરકારી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય બાબતો વિષેની જાણકારી અપાઈ

61

વિધવા સહાય, પ્રધાનમંત્રી વીમા સહાય યોજના, માં અમૃતમ કાર્ડ સહિતના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું
ભાવનગરના શિહોર તાલુકાના વળાવડ ગામે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવા સાથે આ લાભ મેળવવાપાત્ર લાભાર્થીઓને જે- તે સેવાના આદેશો આપવામાં આવ્યાં હતાં. ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પી. પી. શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેમણે ગ્રામજનોને તેમનાં કાનૂની હક્કો અને કાયદાકીય રક્ષણ તથા સલાહ માટે કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તેમજ આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને કઈ રીતે લાભ મળી શકે તે વિશેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં વિધવા સહાય, પ્રધાનમંત્રી વીમા સહાય યોજના, માં અમૃતમ કાર્ડ સહિતના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ સુરા કરમટીયા દ્વારા સ્વાગત પ્રવચન કરી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ કઈ રીતે મેળવી શકાય અને આ કાર્ય માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે વળાવડ ગામમાં યોજવામાં આવેલા કેમ્પની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં ઉપ સરપંચ વિનોદરાય મહેતા, નાયબ મામલતદાર મોરીભાઈ, મંત્રી કૈલાસબેન ઉલવા, પાયલબેન રમણા આચાર્ય, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત તથા રામદેવસિંહ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,વળાવડની ટીમ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleશહેરના સવાઈગરની શેરીમાં નજીવી બાબતે પાડોશીઓ ઝઘડ્યા બે મહિલાઓ ઉપર ફાયરીંગ : હાલત ગંભીર
Next articlePWD અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે ઓનલાઈન મિટિંગનું આયોજન