મુંબઈ, તા.૩૧
હિના ખાન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસિસમાંથી એક છે. જો કે, તેણે છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્મોલ સ્ક્રીન પરથી બ્રેક લીધો છે. આ દરમિયાન તે બોલિવુડ અને ઈન્ટરનેશન પ્રોજેક્ટ પર ફોકસ કરી રહી છે. હિના ખાન હાલમાં અમદાવાદની મહેમાન બની હતી. વાત એમ છે કે, બે દિવસ પહેલા અમદાવાદમાં મિ. ગુજરાત અને મિસ. ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં હિના ખાન ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. પ્રોગ્રામમાં હિના ખાન બ્લેક કલરનું આઉટફિટ પહેરીને આવી હતી. દરમિયાન બધાની નજર એક્ટ્રેસ પર જ ચોંટેલી રહી હતી. મિ. ગુજરાત અને મિસ. ગુજરાતની સ્પર્ધાના અંદરના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમદાવાદની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં હિના ખાન ઓલ-બ્લેક આઉટફિટમાં આવી હતી. તેણે બ્લેક કલરનું સ્કર્ટ અને શિમરી જેકેટ પહેર્યું હતું. પ્રોગ્રામમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેણે સ્પીચ આપી હતી અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેણે કહ્યું હતું કે, ’અહીંયા મને બોલાવવા માટે આભાર. આ યુવાનો માટે એક તક છે. તમને કોઈ બાબત જીવનમાં આગળ લઈ જાય છે તો તે છે તમારો આત્મવિશ્વાસ. રિજેક્શન અને હાર-જીત જીવનનો એક ભાગ છે. પરંતુ જો તમારામાં આત્મવિશ્વાસ હશે તો તમે ચોક્કસથી આગળ જશે. જીત એકની જ થવાની છે, પરંતુ અહીંયા તમે જે આત્મવિશ્વાસ કેળવશો તે તમને મદદ કરશે. હિના ખાને પ્રોગ્રામ દરમિયાન સોન્ગ ગાઈને પણ સંભળાવ્યું હતું. તેનો વીડિયો એક્ટ્રેસના ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. હિના ખાને લગ જા ગલે સોન્ગ ગાઈને પ્રોગ્રામમાં હાજર રહેનારા લોકોને ખુશ કરી દીધા હતા.