સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી દર્દીઓને વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે – જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા.1 થી 15 એપ્રિલ 2022 સુધી ” સ્વચ્છતા સૌનો વ્યવસાય ” સુત્ર અમલીકૃત થાય એ હેતુથી ‘સ્વચ્છતા પખવાડિયું -2022’ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત ભાવનગરના પ્રાંગણમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડૉ. બી. પી. બોરીચાના નેતૃત્વ હેઠળ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતે આરોગ્ય શાખાના સ્ટાફ તેમજ જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તમામ તાલુકા હેલ્થ કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાની હોસ્પિટલમાં તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડે આ અંગે જણાવ્યું કે, આપણને સૌને આપણી આસપાસ સ્વચ્છતા ગમે છે. હોસ્પિટલમાં પણ દર્દીઓને ઘર જેવું વાતાવરણ મળે તે માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી દર્દીઓને વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તેમની આસપાસ સુંદર વાતાવરણનું સર્જન થશે. જેનાથી દર્દીના રિકવરી રેટમાં નોટપાત્ર ફેરફાર આવશે અને દર્દી ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશે.
આ ઉપરાંત શહેર અને જિલ્લાની હોસ્પિટલો અને કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તેમજ “સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા, સ્વચ્છતા ત્યાં પ્રભૂતા” ના સૂત્રને ચરિતાર્થ કરવા શપથ લેવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ન લાગે તેમજ આરોગ્ય કેન્દ્ર સ્વચ્છ અને સુઘડ દેખાય, નાગરિકો દ્વારા સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે એ બાબતનું વાતાવરણ નિર્મિત કરવાં તમામ સ્ટાફ કટિબધ્ધ થયો હતો.