ઘોઘા તાલુકાના હોઇદડ ગામનો બનાવ, ગરીબ ખેડૂત પરિવારમાં કાળો કલ્પાંત
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હોઈદડ ગામે રહેતા એક શ્રમજીવી પરીવારના સગીરે ધોરણ-૧૦માં ગણિતનુ પેપર નબળું જતાં હતાશામાં અજુગતું પગલું ભરી લેતાં પરીવાર પર વજ્રઘાત થયો છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હોઈદડ ગામે વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂત પરીવારનો આશાસ્પદ પુત્ર ચેતન મથુરભાઈ જેઠવા ઉ.વ.૧૫ હાલમાં ધોરણ-૧૦ની પરીક્ષા આપી રહ્યો હોય જેમાં ગણિત વિષયનું પેપર નબળું જતાં સગીર ઘેરી હતાશામાં સરી પડ્યો હતો અને આવેશમાં આવી તેનાં ઘરે જાતેથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો આ ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ સ્થળપર પંચનામું કરી પરીવારના નિવેદનો નોંધી લાશને પીએમ માટે ઘોઘા સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે ગરીબ ખેડૂત પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં ધોરણ-૧૦ની છાત્રાએ પરીક્ષાના ડિપ્રેશનમાં પેટ્રોલ છાંટી જાત જલાવી : મોત
રાજકોટમાં ધોરણ-૧૦ના બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીએ પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી છે તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો. કોઠારીયા રોડ આનંદનગર કાળાપાણાના કવાર્ટરમાં રહેતી ખુશી કિશોરગીરી લાલગીરી ગોસ્વામી (ઉ.વ.૧૫)એ સાંજે પાંચેક વાગ્યે ઘરના બાથરૃમમાં જઇ શરીરે પેટ્રોલ છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભકિતનગરના પીએસઆઇ આર. એન. હાથલીયા અને સ્ટાફે જરૃરી કાર્યવાહી કરી હતી.