રાજ્યના શાળાના વિદ્યાર્થીઓ માટે ક્ષુધા સંતોષવા સાથે ચહેરા પર આનંદ અને હોઠ પર હાસ્યનું નિમિત્ત બનેલી મધ્યાહન ભોજન યોજના

172

૭૪૦ દિવસ બાદ શાળાના બાળકોને મધ્યાહન ભોજન મળતાં તેમના ચહેરા પર આનંદ છવાયો : કોરોનાના કપરાકાળ બાદ શાળાઓ ખુલતાં ભાવનગર જિલ્લાનાં પાલીતાણાની શાળાના બાળકોએ શાળાના ગોઠીયા મિત્રો સાથે એક સાથે સ્વાદિષ્ટ ભોજન માણ્યું
કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લાં બે વર્ષથી રાજ્યની શાળાઓ મોટાભાગે બંધ જેવી હાલતમાં હતી.શિક્ષણ ઓનલાઇન ચાલતું હતું, તેથી શાળાના પ્રાંગણ બાળકોની કિલકારીઓથી ગુંજતા બંધ થઈ ગયાં હતાં. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે શાળા ઓફ લાઇન શરૂ કરવાનો કરવાનાં લીધેલા નિર્ણયને પગલે શાળાઓ ફરીથી ધબકતી અને ચેતનવંતી બની છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ આવતાં બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરરોજ બપોરે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દરરોજ બપોરે ભોજન પૂરું પાડતી એવી આ યોજના પોષણ સાથે ભણતરની પણ મહત્વપૂર્ણ યોજના સાબિત થઈ છે. પરંતુ શાળાઓ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ પણ શાળામાં આવી શકતાં ન હતાં અને મધ્યાહન ભોજન યોજના પણ તેના હિસાબે ચાલું કરી શકાતી ન હતી. પરંતુ શાળાઓ રાબેતા મુજબ શરૂ થતાં હવે જિલ્લામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ફરીથી ધમધમતી થઇ છે. તે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી સ્કૂલમાં ૭૪૦ દિવસ બાદ ફરીથી શાળાના બાળકોએ તેમના શાળાના મિત્રો સાથે પૌષ્ટિક આહારનો લાભ મેળળ્યો હતો. બે વર્ષ બાદ સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના શરૂ થતાં બાળકો ખુશખુશાલ જણાતાં હતાં. આશરે ૭૪૦ દિવસ બાદ પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં આદિનાથ દાદાને અને સરસ્વતી માતાને થાળ ધરી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. જાણીતી ઉક્તિ ’મોસાળમાં ’માં’ પીરસનાર હોય ત્યારે તેમાં કાંઈ બાકી રહે નહીં’ તે રીતે ઝવેરચંદ મેઘાણી શાળામાં મધ્યાહન ભોજન શાળાના શિક્ષકગણે હોંસે હોંસે પીરસ્યું હતું. આ રીતે એક શિક્ષક હોવાં સાથે માં ની પણ ભૂમિકા ભજવી માં અને શિક્ષક બંનેની ભૂમિકા એકસાથે ભજવી હતી. બાળકોએ લાંબા સમય બાદ શરૂ થયેલાં ભોજનનો આનંદથી લૂત્ફ ઉઠાવ્યો હતો. લાંબા સમય બાદ દોસ્તારોની ગોઠડી અને સ્વાદિષ્ટ ભોજનને લઈ તેમનાં ચહેરા પર એક અનોખો આનંદ છવાઈ ગયો હતો. તે સહેજ રીતે દેખાઈ આવતો હતો. શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડાએ આ અંગે જણાવ્યું કે, કોરોનાને કારણે ઘણા લાંબા સમયથી શાળાનું આંગણું બાળકોની કિલકારીઓ વગર સૂનું હતું. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયને પગલે ફરીથી શાળાનું કેમ્પસ ધમધમતું થયું છે, ત્યારે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આજે શાળાના શિક્ષકોએ પણ બાળકોના આનંદમાં સહભાગી થતાં બાળકોને સ્વયં પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. બાળકોને પણ તેનાથી આનંદ આવ્યો હતો. કોરોનાના કપરાકાળ બાદ શાળાઓ ખુલતાં ભાવનગર જિલ્લામાં હવે મધ્યાહન ભોજનનો પુનઃપ્રારંભ કરાયો છે. બાળકના ભણતરની સાથે તેમનું પોષણ સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના -મધ્યાહન ભોજન યોજના દ્વારા બાળકોને સમતોલ આહાર મળતાં શાળામાં હાજરીનું પ્રમાણ પણ વધશે. જેનાથી કોરોનાકાળના હિસાબે બાળકો શાળામાં આવતાં ન હતા તેની ખોટ પણ પૂર્ણ થશે. આમ, ભણતર સાથે પોષણને પણ સુનિશ્ચિત કરતી બહુઆયામી એવી મધ્યાહન ભોજન યોજના ભાવનગર ગ્રામ્યના બાળકો માટે ક્ષુધા સંતોષવા સાથે ચહેરા પર આનંદ અને હોઠ પર હાસ્યનું નિમિત્ત બની છે.

Previous articleધો.૧૦ ગણિતનું પેપર નબળું જતાં વિદ્યાર્થીએ જીંદગીની બાજી સંકેલી લીધી
Next articleફાયરીંગ કરનાર શખ્સને શોધવા પોલીસનું સઘન કોમ્બિંગ