શેલારશા ચોક, આંબાચોક, સાંઢીયાવાડ સહિતના લઘુમતી વિસ્તારોમાં ઢળતી સાંજથી મોડી રાત સુધી પોલીસ જવાનોએ ઘરોમાં કરી તપાસ
ભાવનગર તા.૧
ભાવનગર શહેરના શેલારશા ચોક વિસ્તારમાં આવેલી સવાઈગરની શેરીમાં ગુરુવારે બપોરે એક રીક્ષા ચાલકના પાડોશીએ સામાન્ય બાબતે માતા-પુત્રી પર પીસ્ટલ વડે ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો આ આરોપીને ઝડપી લેવા પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી પરંતુ હજું સુધી આરોપીનુ કોઈ પગેરું મળ્યું નથી. શહેરના શેલારશા ચોક પાસે સવાઈગરની શેરીમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢીયાળીયાએ મકાનનું રીનોવેશન કામ હાથ ધર્યું હોય જેમાં રીનોવેશનનો સામાન પોતાના ઘર સામે મુક્તા આ વાતથી ગીન્નાયેલ પાડોશી કરીમ શેરઅલી રાસયાણીએ અનવરના પરીવાર સાથે ઉગ્ર ઝઘડો કરી તેના કબ્જામાં રહેલી પિસ્ટલ વડે ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ફરિયાદીના પત્ની ફરીદા તથા પુત્રી ફરીયલને ગોળી મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો આ ઘટનામાં પોલીસને એવી શંકા છે કે આરોપી શહેરમાં જ કોઈ સ્થળે આશરો લઈ છુપાયો છે આથી ડીવાયએસપી સફિન હસન, એલસીબી, એસઓજી અને સી-ડીવીઝનના પીઆઈ, પીએસઆઈ સહિતના મોટા કાફલાએ ઢળતી સાંજથીજ સવાઈગરની શેરી, શેલારશાચોક, આંબાચોક, મતવાચોક, વડવાનેરા, સાંઢીયાવાડ સહિતનાં લઘુમતી વિસ્તારોને મોડી રાત સુધી ધમરોળ્યા હતાં તથા આરોપીનું પગેરું દબાવવા બાતમીદારો તથા ટેકનિકલ સોર્સીસની મદદ લઈ તપાસનો તથા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી પરંતુ હજું સુધી પોલીસને આ મામલે કોઈ સફળતા મળી નથી.
માતા-પુત્રીની હાલત નાજુક…?!
સવાઈગરની શેરીમાં ઘટેલી ફાયરીંગ ની ઘટનામાં માતા-પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં પુત્રી ફરીયલને માથામાં ગોળી વાગી હોય આથી તબીબોએ તત્કાળ ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હતી જયારે તેની માતાને લમણાંજીક થી ગોળી પસાર થઈ જતાં આંખ અને લમણાંના ભાગે ગંભીર ઈજા થઈ છે હાલમાં માતા-પુત્રીની સર.ટી હોસ્પિટલ સ્થિત આઈસીયુ વોર્ડમાં સઘન સારવાર ચાલી રહી છે વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ માતા-પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.