મુંબઇ,તા.૧
આઇપીએલની મેચમાં ધોનીના એક સ્ટાર ઓલરાઉન્ડરે પણ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને કંઈક એવું કર્યું જે આજ પહેલાં આઈપીએલમાં કોઈએ કર્યું ન હતું.
વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર અને ધોનીના સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી ડવેન બ્રાવોએ આઇપીએલમાં ઈતિહાસ રચ્યો છે. ૩૮ વર્ષના બ્રાવો આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. લખનૌ સામે રમાયેલી મેચમાં દીપક હુડ્ડા આઉટ થતાની સાથે જ તેણે આ સિદ્ધિ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝના આ અનુભવી ખેલાડીએ આ સમયગાળા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને પાછળ છોડી દીધો હતો. જો કે આ મેચમાં ચેન્નાઈની ટીમ ૨૦૦થી વધુ સ્કોર કરવા છતાં હારી ગઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં બ્રાવોએ ચાર ઓવરમાં ૩૫ રન આપ્યા અને એક વિકેટ લીધી. આ દરમિયાન બ્રાવોએ મલિંગાના ૧૭૦ આઇપીએલ વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. બ્રાવોએ આઇપીએલમાં અત્યાર સુધીમાં ૧૫૩ મેચ રમી છે અને આ દરમિયાન તેણે ૪૯૩.૩ ઓવર ફેંકી છે. જમણા હાથના બ્રાવોના નામે ૧૫૩ આઇપીએલ મેચોમાં કુલ ૧૭૧ વિકેટ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૨ રનમાં ચાર વિકેટ રહ્યું છે. ૈંઆઇપીએલમાં બ્રાવોએ ૮.૩૪ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા છે. બીજી તરફ લસિથ મલિંગાએ ૧૨૨ મેચમાં ૧૭૦ વિકેટ લીધી હતી.