વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી : નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ ચર્ચા કરીને તેમને પરીક્ષાની તાણમાંથી કઈ રીતે બહાર નીકળવું તે અંગે સલાહ આપી
નવી દિલ્હી, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાને તહેવારની જેમ મનાવવાની સલાહ આપી છે. વડાપ્રધાને કહ્યુ કે, એપ્રિલ મહિનો તહેવારોનો મહિનો છે. પરંતુ જ્યારે આ તહેવારને મનાવો ત્યારે આપણે પરીક્ષા પર પણ ધ્યાન આપવું જોઈએ. આમ, શા માટે પરીક્ષાને તહેવારની જેમ ઉજવી ના શકાય. પીએમએ પરીક્ષા પે ચર્ચામાં તેમણે સોશિયલ મીડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઓનલાઈન અભ્યાસ દરમિયાન તમે રીલ જુઓ છો? તેવો સવાલ પણ એક વિદ્યાર્થીને પૂછ્યો હતો. મોદીએ વિદ્યાર્થીઓ સાથે લાંબી ચર્ચા કરીને તેમને પરીક્ષાની તાણમાંથી કઈ રીતે બહાર નીકળવું તે અંગેની સલાહ આપી છે. પરીક્ષાઓમાં થતી ચોરી પર તેમણે કહ્યું કે, મિત્રો, કાપલી કરવાની જરુર નથી. તમે જેટલું કરી શકો છો એટલું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો અને તમારામાં વિશ્વાસ રાખો, તમે તમારી પરીક્ષાને તહેવારના મૂડમાં આપી શકશો. તેમણે આજના સમયમાં લોકો સતત સ્ક્રીન સાથે ચોંટેલા રહે છે તે બાબતે સલાહ આપી કે, જેટલું આઈપેડ, મોબાઈલ ફોનની અંદર ઘૂસવાની મજા આવે છે, તેનાથી હજાર ગણો આનંદ પોતાની અંદર ઘૂસવાનો હોય છે. દિવસમાં કેટલોક સમય એવો કાઢો કે જ્યારે તમે ઓનલાઈન પણ ના હોવ, ઓફલાઈન પણ ના હોવ પણ ઈનરલાઈન હોવ. જેટલા અંદર જશો, તમે એટલી ઉર્જાનો અનુભવ કરશો. એક વિદ્યાર્થી સાથે વાત કરતી વખતે તેમણે સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે વિદ્યાર્થીને પૂછ્યું કે, તમે ઓનલાઈન અભ્યાસ કરો છો તો શું ખરેખર ભણો છો કે પછી રીલ જુઓ છો? વડાપ્રધાને કહ્યું કે આજે આપણે ડિજિટલ ગેજેટ્સના માધ્યમથી સરળ રીતે અને વ્યાપક રીતે નવી વસ્તુઓ શીખી શકીએ છીએ. આપણે તેની ખુશી મનાવવી જોઈએ, નહીં કે સમસ્યા. આપણે કોશિશ કરવી જોઈએ કે ઓનલાઈન અભ્યાસને આપણે એક રિવોર્ડ તરીકે આપણા ટાઈમ ટેબલમાં રાખી શકીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, વાંધો ઓનલાઈન કે ઓફલાઈનનો નથી, ક્લાસમાં પણ ઘણી વખત એવું થતું હશે કે તમારું શરીર ક્લાસમાં હશે, તમારી આંખો શિક્ષક સામે હશે પરંતુ કાનમાં એક વાત નહીં જતી હોય કારણે તમારું મગજ ક્યાંક બીજે હશે. તેમણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓને પણ પરીક્ષા પે ચર્ચામાં સમાવી લીધા હતા. પીએમએ કહ્યું, પહેલાના જમાનામાં શિક્ષક પરિવાર સાથે સંપર્કમાં રહેતા હતા. પરિવાર પોતાના બાળક વિશે શું વિચારે છે, તેનાથી શિક્ષક પરિચિત રહેતા હતા. શિક્ષક શું કરે છે તેનાથી વાલી પરિચિત રહેતા હતા. એટલે કે ભણવાનું સ્કૂલમાં ચાલતું હોય કે ઘરે દરેક એક પ્લેટફોર્મ પર રહેતા હતા, પરંતુ હવે બાળકો દિવસ દરમિયાન શું કરે છે, તેના માટે માતા-પિતા પાસે સમય નથી. શિક્ષકને માત્ર સિલેબસ સાથે લેવાદેવા છે કે મારું કામ થઈ ગયું, મેં સારી રીતે ભણાવ્યું પરંતુ બાળકનું મન કંઈક બીજુ જ કહે છે.