સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી
(સં. સ.સે.) નવી દિલ્હી, તા.૧
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે ૨૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ ૭૯.૫૯ રૂપિયા થયો છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ ૭૪.૫૯ રૂપિયા હતો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે. ગુજરાતમાં પણ આજે ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૬.૪૦ રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.