લોકોને પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની અને ભીના કપડાથી માથું ઢાંકેલું રાખવાની સલાહ આપવામાં આવી
નવી દિલ્હી, તા.૧
ગુજરાતમાં ૪ એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે દેશના હવામાન વિભાગ દ્વારા એપ્રીલમાં અગન જ્વાળા વરસાવતી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની સાથે ચોમાસું હળવું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમી વધવાની સાથે તેની સાથે જોડાયેલી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અમદાવાદમાં ૧૦૮ સર્વિસને આવતા ઈમર્જન્સી કૉલની સંખ્યામાં વધારો થયો છે. આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. દેશમાં માર્ચ મહિના દરમિયાન ઉનાળો આકરો નહીં રહેવાની સંભાવનાથી ઉલ્ટું ગરમીએ કેટલાક રેકોર્ડ્સ તોડ્યા છે. ભારતના દક્ષિણ અને દક્ષિણ પૂર્વના ભાગોમાં અન્ય ભાગ કરતા ગરમીનું પ્રમાણ હળવું છે, જ્યારે દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું છે જે આગામી દિવસોમાં ૪૩ ડિગ્રી પર પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભૂજમાં સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવ રહેશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ જેવા જીલ્લાઓમાં સળંગ ચાર દિવસ સુધી હીટવેવ રહેશે. ૩૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી રાજ્યના આ ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અગાઉ ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે, લૂના કારણે શરીરનંધ તાપમાન ઝડપથી વધે છે. વધુ પ્રમાણમાં પરસેવો થવાથી શરીરનું તાપમાન નીચું રહી શકતું નથી. આમ થવાથી હાથ અને પગમાં ભારે દુખાવો થવા લાગે છે, તરસ વધુ લાગે છે, ધબકારા વધી જાય છે, બેચેની અનુભવાય છે અને ગભરામણ થવા લાગે છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લોકોને બને ત્યાં સુધી તડકાથી બચવાની સલાહ સાથે પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની અને ભીના કપડાથી માથું ઢાંકેલું રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુરુવારે હવામાન વિભાગે ગરમી આકરી રહેવાની આગાહી સાથે ચોમાસું સામાન્ય રહેશે તેમ જણાવ્યું છે. જેમાં ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાના આસાર છે. જ્યારે દક્ષિણ ભારત અને તેની સાથે જોડાયેલા પૂર્વોતરમાં ભારે વરસાદની સંભાવના છે.