ગત માર્ચ ૨૦૨૧ કરતા માર્ચ ૨૦૨૨માં જીએસટીની આવક ૧૫ ટકા વધારે, આ મહિનામાં ૯૪૧૭ કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી
નવી દિલ્હી, તા.૧
માર્ચ મહિનામાં (ફેબ્રુઆરી મહિનામાં થયેલા બિલિંગ માટે ભરવામાં આવતો ટેક્સ) દેશમાં જીએસટીની કુલ આવક રૂ.૧,૪૨,૦૯૫ કરોડ થઇ છે જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ માસિક આવક છે. કુલ આવકમાં કેન્દ્રીય જીએસટી રૂ.૨૫૮૩૦ કરોડ, રાજ્ય નો જીએસટી રૂ.૩૨,૩૭૮ કરોડ આને આયાત-નિકાસનો આઇજીએસટી રૂ.૭૪૪૭૦ કરોડ છે. આ મહિનામાં રૂ. ૯૪૧૭ કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી છે. ગત માર્ચ ૨૦૨૧ કરતા માર્ચ ૨૦૨૨માં જીએસટીની આવક ૧૫ ટકા વધારે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ દર મહિને રૂ. ૧.૩૮ લાખ કરોડની જીએસટીની વસૂલાત થઇ છે જે પાછલા વર્ષ રૂ.૧.૩૦ લાખ કરોડ હતી. માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યની જીએસટીની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધીને રૂ.૯૧૫૮ કરોડ થઇ છે. જ્યારે સમગ્ર દેશમાં ઓરિસ્સા ૨૬ ટકા, મેઘાલય ૧૯ ટકા, બિહાર ૧૩ ટકા, હરિયાણા ૧૭ ટકા વધી છે જે ગુજરાત કરતા વધારે છે.
ગુજરાતને જીએસટીમાં ૮૬,૭૮૦ કરોડની આવક
ગાંધીનગર, તા.૧
ગુજરાત રાજ્યને નવી કરપ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણ બાદ નાણાંકીય વર્ષ ૨૧-૨૨માં સૌથી વધુ આવક થઇ છે. વિતેલ નાણાંકીય વર્ષમાં ગુજરાતને જીએસટી, વેટ અને વળતર પેટે કુલ રૂ. ૮૬,૭૮૦ કરોડની આવક થયેલ છે. જેમાં માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યને જીએસટી પેટે રૂ. ૪,૫૩૦ કરોડની આવક છે દેશમાં જુલાઇ- ૨૦૧૭માં નવી કરપ્રણાલી લાગુ થયા પછીની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માર્ચ-૨૦૨૧ની રૂ. ૩,૫૨૩ કરોડની આવક કરતા રૂ. ૧,૦૦૭ કરોડ કે ૨૮.૫૬% વધારે છે. તો ફેબ્રુઆરી-૨૦૨૨ની રૂ. ૪,૧૮૯ કરોડની તુલનાએ માર્ચમાં જીએસટી આવકમાં ૮%નો વધારો દર્શાવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજ્યને કુલ રૂ.. ૮૬,૭૮૦ કરોડની જીએસટી આવક થઇ છે જે ગત વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલી રૂ. ૬૬,૭૨૩ કરોડની આવકની સરખામણીએ રૂ. ૨૦,૦૫૭ કરોડ વધા છે. કોવિડ-૧૯ મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી. જો કે વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જીએસટી પેટે કુલ રૂ. ૪૫,૪૬૪ કરોડની આવક થયેલી છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૩૦,૬૯૭ કરોડની આવકની તુલનાએ રૂ. ૧૪,૭૬૭ કરોડ કે ૪૮.૧૦%નો વધારે દર્શાવે છે. તો ગત નાણાંકીય વર્ષે ગુજરાતને વેટ પેટે કુલ રૂ. ૩૦,૧૩૭ કરોડની આવક થઇ છે. જે અગાઉના વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૨૦,૮૨૭ કરોડના વેટ ક્લેક્શનની તુલનાએ રૂ. ૯,૩૧૦ કરોડ કે ૪૪.૭૦% વધારે છે.