માઢીયા પ્રાથ.શાળા બની સાબરમતી આશ્રમ-વિદ્યાર્થીઓ બન્યા ગાંધીજી અને તેના સ્વયંસેવકો

80

ગામડાની એક નાની શાળામાં ઇતિહાસને સમજાવવાનો ભણાવવાનો આ નવતર પ્રયોગ હતો અને તે પ્રભાવિત કરી ગયો
૧૨ માર્ચ ૧૯૩૦- ગાંધીજી સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી યાત્રા પ્રારંભ કર્યો હતો. ૩૮૬ કિલોમીટર લાંબી અને સ્વતંત્ર ચળવળમાં ખૂબ મહત્વની એવી આ દાંડીકૂચ શાળાના અભ્યાસક્રમમાં સામેલ છે ત્યારે આ યાત્રા શું હતી તેનો પ્રત્યક્ષ અનુભવ મળે અને તેનું મહત્વ સમજાય તે માટે ભાવનગર જિલ્લાની માઢીયા પ્રાથમિક શાળાએ દાંડી યાત્રાને પુનઃ જીવિત કરી હતી.ગામડાની એક નાની શાળામાં ઇતિહાસને સમજાવવાનો ભણાવવાનો આ નવતર પ્રયોગ હતો અને તે પ્રભાવિત કરી ગયો. કહી શકાય કે, ઇતિહાસપણ પ્રયોગ દ્વારા ભણી શકાય છે. જરૂર હોય છે શિક્ષક અને શાળાના સંચાલકોની જહેમત અને યોગ્ય નજરની. માઢીયા ભાલ વિસ્તારમાં આવેલું ગામ છે અને નજીકમાં મીઠાના અગર છે. બારમી માર્ચે સવારે શાળામાં ગાંધીજીના સાબરમતી આશ્રમ જેવો જ માહોલ ઉભો કરાયો. એક વિદ્યાર્થી બન્યો ગાંધીજી અને સર્વ ધર્મ પ્રાર્થના, રામધુન સાથે અહીંથી દાંડીયાત્રાનો પ્રારંભ થયો. આ યાત્રા ગામમાંથી નીકળી ત્યારે વિવિધ સ્થળોએ મૂળ દાંડીકૂચમાં આવેલા ગામોના નામના બોર્ડ સાથે સ્વયંસેવકો ગ્રામજનોના રૂપમાં ઉપસ્થિત હતા અને જે રીતે ગાંધીજી અને તેમના સાથીઓનું સ્વાગત કરાયું હતું તે જ રીતે આ વિદ્યાર્થીઓની દાંડી યાત્રાનું સ્વાગત કરાયું, સફાઈ કાર્યક્રમો પણ યોજાયા. વળી દાંડીકૂચ દરમિયાન રાત્રે સભાઓ યોજાઇ હતી તે જ રીતે રાત્રી સભા જેવું આયોજન કરાયું અને ગાંધીજી બનેલા વિદ્યાર્થીએ તે સમયે ગાંધીજીએ કરેલા પ્રવચનોના અંશો પણ રજૂ કર્યા. પ્રિન્સિપાલ યુવરાજસિંહ શિવભદ્રસિંહ ગોહિલ કહે છે કે, ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને આ પ્રયોગમાં જોડવામાં આવ્યા હતા. ગાંધીજી સાથે યાત્રામાં ૭૦ સ્વયંસેવકો હતા તો યાત્રાના માર્ગ પર ગ્રામજનો સ્વરૂપે બીજા ૧૬૦ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા. દાંડીકૂચની ઝાંખી મળે તે માટે અમે પૂરતા પ્રયત્નો કર્યા હતા. યાત્રામાં જોડાનાર વિદ્યાર્થીઓએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા તો યાત્રા દરમિયાન ધૂન ગવાતી રહે, અંગ્રેજોએ લાદેલા મીઠાના કાળા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચારો થાય તેવું આયોજન પણ કરાયું હતું. આખરે આ યાત્રા માઢીયા નજીકના જ એક મીઠાના અગરે પહોંચી હતી અને ત્યાં ગાંધીજી બનેલા વિદ્યાર્થીએ ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ કહેલા શબ્દો, ’બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં આથી હું લૂણો લગાડું છું’ ઉચ્ચાર્યા હતા. આમ ચપટી મીઠું ઉપાડી ગાંધીજી અને તેમના સાથીદારોની ટોળી ફરી શાળાએ પરત ફરી હતી.

Previous articleબોરડીગેટ સર્કલમાં ડૉ. આંબેડકરની મુકાશે પ્રતિમા
Next articleરીક્ષા-કાર વચ્ચે અકસ્માત થતા ૧૩ વ્યક્તિને નાની મોટી ઈજા