નાણાં, પ્રસિદ્ધિ, કે ખેવનાની અપેક્ષા વગર લોકસેવા કરતી અનોખી સંસ્થા… નિજાનંદ પરિવાર સંસ્થા

165

તંત્રી થી સંત્રી, શિક્ષક થી આરોગ્ય કાર્યકર, ઉદ્યોગપતિ થી સામાન્ય કર્મચારીની બનેલી અનોખી સંસ્થા : નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા ભાવનગર પંથકમાં સેવા કરતી અન્ય સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓનું સન્માન કરી એક નવો ચીલો ચાતર્યો
સામાન્ય રીતે લોકોની સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ પોતાની સંસ્થાની ખ્યાતિ- પ્રખ્યાતિ વધે તે માટે કાર્ય કરતી હોય છે.. પરંતુ આજે આપણે ભાવનગરની એક એવી સંસ્થાની વાત કરવી છે, જેણે કોઈપણ પ્રકારના નાણાની, પ્રસિધ્ધિની ખેવના વગર પોતે તો સમાજ માટે છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખથી વધુનું દાન અને સેવા કરી છે. પરંતુ લોકોની સેવા સાથે સંકળાયેલી ભાવનગર પંથકમાં કાર્યરત અન્ય સંસ્થાઓને પણ પ્રોત્સાહન મળે અને તેઓ વધુ લોક સેવા સાથે સંકળાયેલા રહે તેવા ભાવ સાથે તેમને પ્રોત્સાહિત કરવાં માટે એક કાર્યક્રમનું આયોજન શિહોર તાલુકાના નેસડા ગામે કર્યું હતું. આમ, સમાજની સેવામાં રત એક સંસ્થા દ્વારા સમાજ સેવામાં જોડાયેલી અન્ય સંસ્થાઓનું સન્માન કરીને એક અનોખો અને નવો ચીલો ચાતર્યો હતો. નેસડા ગામ ખાતે આવેલા હરિ ઓમ આશ્રમ ખાતે ૧૩ વૃદ્ધોનો ખર્ચો આ નિજાનંદ સંસ્થા ઉપાડે છે અને કોઈપણ પ્રકારની ઝાકમઝોળ કે લાઈમ લાઈટથી દૂર રહેવા માટે વનવગડામાં આવેલાં આ આશ્રમમાં સંસ્થાઓના સન્માનનો આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન વૃદ્ધાશ્રમમાં કરવાનું એક પ્રયોજન વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધોના ચહેરા પર એક હાસ્ય આવે તેમના મુસ્કાનનું કારણ બની શકાય તે માટે એક સંતવાણીના લોકડાયરાનું આયોજન પણ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં કર્યું હતું. નેસડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નિજાનંદ પરિવાર સંસ્થાના સભ્યો દ્વારા ’ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ રૂપે ભાવનગર પંથકમાં લોકોના દુઃખ દૂર કરવાં, પશુ-પક્ષીઓની સેવા કરવાં, ગરીબ બાળકોને શિક્ષણ આપવા તથા અન્ય કોઈપણ રીતે મદદરૂપ થતી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે માટે તેઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. સન્માનિત થયેલી સંસ્થાઓમાં હેપ્પી ટુ હેલ્પ (પક્ષીઓની અને શિક્ષણની સેવા કરતી પર્યાવરણીય સંસ્થા), કલા સંઘ (કલામય સેવા, જનજાગૃતિ પર્યાવરણની સેવા), સ્વામિનારાયણ સેવા કેન્દ્ર (શિહોર) શિહોરની ગુંદાળા વસાહતમાં ગરીબ બાળકોને શિક્ષણ- સંસ્કાર -ગૌ સેવા કરતી સંસ્થા), માધવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર (ગરીબ બાળકોને શિક્ષણ) રાજહંસ નેચર ક્લબ, ભાવનગર (પશુપંખીની ૩૬૫ દિવસ સારવાર કરતી ટીમ) કર્મશક્તિ ફાઉન્ડેશન (ગધેડીયા ખાતે ગરીબ બાળકોને નિઃશૂલ્ક શિક્ષણ આપતી સંસ્થા) નો સમાવેશ થાય છે.જેનું સન્માન નેસડાના હરિ ઓમ આશ્રમના પૂ.હરિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકાના નેસડા ગામે સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધાશ્રમ હરિ ભજન કરી મુસ્કાનનું કારણ બનતા નિજાનંદ પરિવારના સભ્યોનો આનંદ અને વૃદ્ધાશ્રમમાં રહેલી વૃદ્ધોના ચહેરા પર પડી ગયેલી કરચલીઓ સરવળીને જ્યારે તાજી થઇ હતી. આ આનંદનું નિમિત્ત બનવા માટે તો આ નિજાનંદ પરિવારના સભ્યો કાર્યરત છે. ભાવનગર પંથકમાં છેલ્લા સાત વર્ષથી ૧૦ લાખનું દાન મૂંગા મોં એ, કોઈપણ જાતના ભેદભાવ વગર પહોંચાડતી સંસ્થા એટલે નિજાનંદ પરિવાર સંસ્થા, ભાવનગર.. નિજાનંદ પરિવાર દ્વારા ભાવનગરના નિરાધાર,મુશ્કેલીવાળા, કેન્સરપીડિત, માનસિક અપંગ, શારીરિક અપંગને દર મહિને રાશન કીટ આપવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથ પર સૂતાં ગરીબ લોકોને ખાવડા ઓઢાડવા, જરૂરીયાતમંદની સેવા કરવી વગેરે સેવાકાર્યો સાથે આ સંસ્થા સંકળાયેલી છે. આ સંસ્થામાં અમેરિકા, મુંબઈ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સિધ્ધપુર, ભીમડાદ, ભાવનગર એમ અલગ- અલગ ગામ અને શહેરના સંવેદનશીલ લોકો સેવાભાવથી જોડાયેલાં છે. પોલીસ, તંત્રી, પત્રકાર, સાહિત્યકાર, ચિત્રકાર, કલાકાર, ઉદ્યોગપતિ,શિક્ષક અને આરોગ્ય કર્મચારીઓ પણ આ સંસ્થા સાથે નિશ્વાર્થભાવથી જોડાયેલાં છે. પિતાની છત્ર છાયા ગુમાવનારા ભાવનગરના ૫ બાળકોની ફી પણ કરવામાં આવે છે. આ સંસ્થામાં કોઈ હોદ્દેદાર નથી.આ સંસ્થા દ્વારા સમાજમાં નિસ્વાર્થભાવે સેવા કરતી સંસ્થાઓ એકબીજાને જાણે ઓળખે અને એ રીતે દરેક સંસ્થા કઈ રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે એવાં હેતુથી આ કાર્યક્રમ અંતર્ગત ભેગી થઈ હતી. સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાયેલા આ સંતવાણીના કાર્યક્રમમાં કલાકારશ્રી ભીખાલાલ વાઘેલા (સાહિત્યકાર), ભજન સમ્રાટ બલરામબાપુ (શિહોર), રાજુભાઈ પંડ્યા (સાંઢીલા),હાસ્ય કલાકાર શૈલેષભાઈ રાવળ (કરદેજ) તથા સાજિદા સર્વશ્રી મહાવીરભાઈ રામાનુજ, મલયભાઈ, મહિપાલભાઈ, માનસભાઈ દ્વારા ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાતો સાથે જમાવટ કરવામાં આવી હતી. આ માટે અવધ સાઉન્ડ ખાખરીયાની સુંદર સેવા મળી હતી.
કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરાઈ હતી. નિજાનંદ પરિવાર વિશે રાજુભાઈ સોલંકી, મેહુલભાઈ રાજ્યગુરુ, અનિલભાઈ પંડિત દ્વારા માહિતી અપાઈ હતી. સન્માનિત કરાયેલ સંસ્થા દ્વારા તેની માહિતી અજયભાઈ ચૌહાણ, દર્શકભાઈ ધાંધલા, પ્રિયાબા જાડેજા દ્વારા આપવામાં આવી હતી. સંસ્થા નિજાનંદ માટે કંઈક કરી છૂટવા માટે સંસ્થાના કર્મયોગી બહેનો ચંપાબેન હેરમા, રેખાબેન લશ્કરી દ્વારા પૂ. હરીબાપુના હસ્તે દાનપેટી સ્વીકારી હતી. આ દાન પેટીનો ઉપયોગ તેઓ સમાજમાંથી નાની રકમનું દાન કરવા માંગતા લોકો પાસેથી એક, બે કે પાંચ રૂપિયા જેવી નાની સહાય મેળવવા માટે ઉપયોગ કરશે અને આ રીતે એકત્રિત થયેલા નાણાંનો ઉપયોગ નિરાધાર વૃધ્ધોના લાલન -પાલન માટે કરવામાં આવશે. સાહિત્યકાર અરવિંદભાઈ ભટ્ટી, કરણભાઈ ગઢવી દ્વારા પ્રસંગોચિત રજૂ કરવામાં આવી હતી.મનોજભાઈ-ધર્મેન્દ્રભાઈ રાવ દ્વારા ફોટોગ્રાફીની સેવાનો સહયોગ મળ્યો હતો. પત્રકાર હરેશભાઈ પવાર દ્વારા સંસ્થાને સતત પ્રોત્સાહન મળ્યું હતું. નાસ્તાની સેવા રાજુભાઈ સોલંકી (આચાર્ય,ભાણગઢ) અને રસોઈ સેવા શીતલબેન-મુકેશભાઈ મકવાણા દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂ. હરિબાપુ નેસડા તથા આશ્રમ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleશહેરમાં ચેટીચંડની ઉજવણી
Next articleકિડનીના જરૂરિયાત મંદ દર્દીઓને અનાજ કીટનું વિતરણ કરાયું