કોલેજ કેન્ટીનમાં બેસેલા શખ્સોને અપશબ્દો બોલવાની ના પાડવા પાડવાના મામલે : લાકડી, પાઈપ જેવા હથીયારો ધારણ કરી ગેરકાયદે મંડળી રચી વિદ્યાર્થીને માર મરાયો : કોલેજમાં મારા મારીને લઈ ચકચાર
ભાવનગર શહેરની સર પી.પી. સાઈન્સ કોલેજની કેન્ટીનમાં બેસેલા શખ્સો અપશબ્દો બોલતા હોય તેને ના પાડતા ઝગડો થયેલ તેની દાઝ રાખી સાત શખ્સે ગેરકાયદે મંડળી રચી પાઈપ, લાકડી જેવા હથીયારો ધારણ કરી વિદ્યાર્થી ઉપર હીચકારો હુમલો કરી માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલાઈઝ કરાયો હતો. જ્યારે કોલેજ કેમ્પસમાં મારા મારીને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સાગવાડી, જ્ઞાાનગુરૂ સ્કુલની સામે રહેતા અને શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સર પી. પી. સાઈન્સ કોલેજમાં બીએસસી સેમ.૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિલેશભાઈ જેન્તીભાઈ મકવાણાએ નિલમબાગ પોલીસ મથકમાં પાર્થરાજસિંહ જાડેજા ઉર્ફે પ્રિન્સ, બ્રિજરાજસિંહ ગોહીલ, ક્રિશ, વિશુભા, અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના ચાર કલાકના અરસા દરમિયાન તેઓ સર પી.પી સાઈન્સ કોલેજની કેન્ટીનમાં તેના મિત્રો સાથે બેઠા હતા. તે વેળાએ તેની બાજુમાં બેેસેલ પાર્થરાજસિંહ અપશબ્દો બોલતા હોય જેથી તેને અપશબ્દો બોલવાની ના પાડતા તેણે ઝગડો કરતા તેઓ અને તેના મિત્રો દુર બેસવા જતા રહેલ બાદ થોડી વાર રહી ઉક્ત તમામ ગેરકાયદે મંડળી રચી આવી પાઈપ, લાકડી જેવા હથીયારો ધારણ કરી તેના ઉપર હુમલો કરી આડેધડ માર મારી વિશુભા અને અન્યોએ પટ્ટા અને ઢીંકાપાટુ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે મારા મારી દરમિયાન તેઓનો ચેન પડી જવા પામ્યો હતો. દરમિયાન ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે આઈપીસી. ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૪૦૩, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.