સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ચર્ચાનો માહોલ : ભાવનગરના જિલ્લા વહીવટી તંત્રએ ગાંધીનગર કન્ટ્રોલ રૂમને જાણ કરી : સરતાનપર ગામમાં પદાર્થ પડયોની અફવા
આકાશમાં કયારેક એવા પ્રકારની દ્રશ્યો જોવા મળતા હોય છે કે લોકો વિચારમાં પડી જતા હોય છે, આવુ જ આજે શનિવારે જોવા મળ્યુ હતું. ભાવનગર જિલ્લાના આકાશમાં અગન ગોળા જેવો પદાર્થ દેખાયો હતો તેથી લોકોમાં કુતુહલ ફેલાયુ હતું. કેટલાક લોકોએ આ વિડીયો ઉત્તાર્યો હતો અને વિડીયો સોશીયલ મીડિયામાં ફરતા થતા ચર્ચાનો માહોલ જામ્યો હતો. આ અંગે ભાવનગરના જિલ્લા વહીવટી તંત્રએ ગાંધીનગર ખગોળશાસ્ત્ર વિભાગના કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. ભાવનગર શહેર અને જિલ્લાના આકાશમાં આજે શનિવારે સાંજના ૭.૩૦ કલાકના સમય આસપાસ અગન ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. સળગતો પદાર્થ જમીન પર પડતો હોય તેવુ વિડીયોમાં દેખાય રહ્યુ છે તેથી લોકોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ભાવનગર શહેર ઉપરાંત અલંગ, સરતાનપર, જેસર વગેરે વિસ્તારના આકાશમાં પણ આવુ દ્રશ્ય લોકોને જોવા મળ્યુ હતું. કેટલાક સ્થાનીક લોકોએ આકાશની આ ઘટનાનો મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશીયલ મીડિયા પર મુકયો હતો તેથી આ વિડીયો વાયરલ થયા હતા, જેના પગલે લોકોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો. સરતાનપરમાં અગન ગોળો આકાશમાંથી પડયો હોવાની અફવા ફેલાય હતી, જેના પગલે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓએ સરતાનપર ગામના સરપંચનો સંપર્ક કરી માહિતી મેળવી હતી પરંતુ અલંગ અને સરતાનપરના દરિયા વચ્ચે કોઈ સળગતી તેમજ ચમકતી વસ્તુ દરિયામાં પડી હોવાનુ લાગ્યુ હતુ તેમ સરપંચે જણાવ્યુ હતું. જિલ્લા વહીવટી તંત્રએ આકાશમાં દેખાયેલ અગન ગોળા જેવા પદાર્થને લઈ ગાંધીનગર ખગોળશાસ્ત્ર વિભાગના કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી પરંતુ આકાશમાં દેખાયેલ વસ્તુ શુ હતી ? તે હજુ સત્તાવાર જાણવા મળેલ નથી તેમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યુ હતું. આ ઘટના ભાવનગર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારમાં દેખાય હોય સરકારી તંત્ર હાલ કામે લાગ્યુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે.