પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટે સને -૧૯૧૦માં શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર કરવાના હેતુથી ભાવનગર ખાતે ’દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન’ની સ્થાપન કરી હતી
ભારતવર્ષનું પાયાનું એકમ ગામડું છે. એટલે શિક્ષણ દ્વારા આવા પ્રત્યેક ગ્રામ-એકમોના વિકાસ માટે તેમણે સને- ૧૯૩૮માં અંબલા ગામે ફિનલેન્ડ-ડેન્માર્કની ફોલ્ક-સ્કૂલ્સના ઢાંચા પ્રમાણે દેશની સર્વ પ્રથમ ‘લોકશાળા’ એવી ’ગ્રામદક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી જેને રાષ્ટ્રીય વિરાસત શાળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. કૃષિ પ્રધાન દેશના ઉચ્ચ શિક્ષણમાં કૃષિ-બાગાયત-ગોપાલનને ફરજીયાત બનાવીને નાનાભાઈએ સને-૧૯૫૩માં વૈશાખી પૂનમે તા. ૨૮/૦૫/૧૯૫૩ના રોજ બુદ્ધ જ્યંતિના દિવસે દેશની સર્વ પ્રથમ ‘ગ્રામવિદ્યાપીઠ’ એવી લોકભારતીની સણોસરા ખાતે સ્થાપના કરી. ગાંધીવિચારને સમર્પિત, સ્વાવલંબન-કેન્દ્રી, નિવાસી આ આશ્રમી કેળવણી જીવનલક્ષી શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહી છે. જેમાં હેડ, હેન્ડ અને હાર્ટ એમ ત્રણેયનો સર્વાંગી વિકાસ સાધી આપતી કેળવણી અપાય છે. મગજને માહિતીનું કારખાનું બનાવતા આજના ચીલાચાલુ માત્ર બૌદ્ધિક વિકાસના શિક્ષણને લોકભારતીએ સ્વીકાર્યું નથી. વળી, સ્પર્ધામુક્ત અને સહકારયુક્ત કેળવણી દ્વારા સહુનો વિકાસ સાધવાનો મંત્ર સ્વીકારીને સહુના ભાલમાં મારું પણ ભલુ સમાયેલું છે તે સભાનતાથી આચરણમાં મૂકી બતાવ્યું છે. જીવન મૂલ્યો ભણાવી દેવાતા નથી, મૂલ્યોને તો જીવતા – આચરતાં શીખવવાના હોય છે. લોક્ભારતીએ નૈતિક મૂલ્યો અને વૈજ્ઞાનિક અભિગમનો વિવેકપૂર્ણ સમન્વય સાધીને નઇ તાલીમના શિક્ષણને ઉજાગર કર્યું છે.
અનેકવિધ હેતુઓ સાથેની ગ્રામ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે હવે લોકભારતી યુનિવર્સીટી ફોર રૂરલ ઇનોવેશનનો વધારાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ હવે ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી મહા વિશ્વવિદ્યાલય બની ચૂકી છે ત્યારે તેનો લાભ ભાવનગર જિલ્લાને ચોક્કસ મળશે.