ભાવનગર મહાપાલીકા દ્વારા દર વર્ષની માફક એપ્રિલથી શરૂ થતા હિસાબી વર્ષનો મિલકત સહિત વેરો એડવાન્સ ભરી દેનાર આસામીઓને ૧૫ ટકા રિબેટ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ બે દિવસમાં જ મહાપાલીકાને દોઢ કરોડથી વધુ રકમની વેરાની આવક થવા પામી હતી અને આજે પણ સવારથી વેરો ભરવા મહાપાલીકાની કેશબારી સહિત કલેકશન સેન્ટરો પર લોકોની લાઇનો લાગી છે. ઓન લાઇન વેરો ભરનારને બે ટકા વધુ રિબેટ આપવામાં આવે છે ત્યારે રિબેટ સાથે વેરો ભરવા લોકોમાં સ્વયંભૂ જુવાળ જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ૧૫ ટકા રિબેટ બાદ આગામી મે માસમાં ૫ ટકા રિબેટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાને સૌથી વધુ ૧૧૮ કરોડ જેટલી વેરાની આવક થવા પામી હતી. આ વર્ષે પણ રિબેટ યોજના પૂર્ણ થયાબાદ રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.