ભાવનગર શહેરની ઘોઘારોડ પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી વિદેશી દારૂની ૧૯૫ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી પોલીસને હાથતાળી આપી નાસી છુટ્યો હતો. આ બનાવોની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના ટીવી કેન્દ્ર, કંસારાના કાંઠે, મફતનગર વિસ્તારમાં રહેતો પ્રકાશ મનસુખભાઇ મકવાણા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે ગત રાત્રિના સુમારે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૫૭ બોટલ ઝડપી લીધી હતી. પોલીસના દરોડા દરમિયાન ઉક્ત શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી છુટ્યો હતો. જ્યારે બીજા બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગઇકાલે વહેલી સવારના સુમારે ઘોઘારોડ પોલીસને મળેલ બાતમીના આધારે શિવાજીસર્કલ પેટ્રોલ પંપની બાજુમાં ધાવડીમાતા વાળા ખાંચામાં રહેતા વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઇ જાંબુચા નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે ઉક્ત આરોપીને પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના ઘોઘારોડ મારૂતિનગર, શેરી નં.૧માં રહેતો સંજય માધાભાઇ જેઠવા નામનો શખ્સ તેમના મકાનમાં વિદેશી દારૂ સંતાડી વેપાર કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી તલાશી લઇ તેના ઘરમાંથી ૧૧૪ બોટલ દારૂ સાથે ઉક્ત શખ્સને ઝડપી લીધો હતો.