નવીદિલ્હી,તા.૪
ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાયનેમીક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે. મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા ૧૦૦ શહેરોએ પૂરા કરેલા પ્રોજકેટ, કાર્યરત પ્રોજેકટ, ગ્રાન્ટના વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાયનેમિક રેન્કિંગ જાહેર કર્યું છે. ડાયનેમિક રેન્કિંગમાં ૧૨૮.૮૦ સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે જ્યારે ૧૨૦.૩૯ સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, ૧૧૯.૧૮ સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, ૧૧૭.૦૫ સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે અને ૧૧૬.૬૭ સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે છે.૧૦૫.૨૫ સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. ડાયનેમિક રેન્કિંગમાં ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય રાજ્યના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ ટકા, રાજ્ય સરકાર દ્વારા ૨૫ ટકા અને સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૫ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. સુરત સ્માર્ટ સિટીએ આ પૈકી ૭૫ ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ગ્રાન્ટના વપરાશ માટે ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નિયત સમય મર્યાદામાં મોકલવા જરૂરી છે. આ ઉપરાંત સુરત સ્માર્ટ સિટીની એડવાઇઝરી ફોરમની સમયાંતરે મિટિંગ કરી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પ્રગતિ અંગે સભ્યોને માહિતી આપવામાં આવે છે. આ સાથે સ્માર્ટ સિટી મિશન દ્વારા લોન્ચ કરાતા વિવિધ કાર્યક્રમોમાં સુરત સ્માર્ટ સિટી દ્વારા સક્રિય રીતે ભાગ લેવામાં આવે છે એટલું જ નહી શહેરીજનોને આવા કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. આ તમામ માપદંડોના આધારે સુરતને સૌથી વધારે સ્કોર મળતા ડાઇનેમિક રેન્કીગમાં સુરત પહેલા ક્રમે આવ્યુ છે. સુરત સ્માર્ટ સિટી અંતર્ગત રૂ.૧૭૯૧ કરોડના ૬૯ પ્રોજેકટ પૂરા થઇ ગયા છે. કિલ્લાના રિસ્ટોરેશનની પહેલા તબકકાની કામગીરી, એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સ્માર્ટ મોનીટરિંગ સિસ્ટમ, સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, સોલીડ વેસ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, સુરત મની કાર્ડ, સુમન આઇ, ૩૯૫૮ આવાસો, ડીડોલી ખાતે સુએઝ ટીટમેન્ટ પ્લાન્ટ, ૨૪ કલાક પાણી માટે વોટર મીટર, રેઇન વોટર રીચાર્જ, વીઆઇપી મોડલ રોડ, કેનાલ કોરીડોર સહિતના પ્રોજેકટ સાકાર થઇ ચુકયા છે.