હરામીનાળામાંથીBSF એ પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ પકડી

47

પેટ્રોલિંગમાં જવાનોને શંકા જતાં તેઓએ કાદવમાં ચાલીને નાળું પાર કર્યું પણ માછીમારો નાસી ગયા, બોટ જપ્ત
ભુજ, તા.૪
ગત ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ રવિવારે મોડી સાંજે ૦૮ઃ૩૦ કલાકે બીએસએફભુજની પેટ્રોલ પાર્ટી બોર્ડર પિલ્લર નં- ૧૧૬૪ નજીક હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ૨ પાકિસ્તાની ફિશિંગ બોટ્‌સની ગતિવિધિ સામે આવી હતી. બોર્ડર પિલ્લર નં- ૧૧૬૦ પાસે ૨ પાકિસ્તાની ફિશિંગ બોટ અને ૪-૫ પાકિસ્તાની માછીમારોની હાજરીને ધ્યાનમાં લઈને બીએસએફની પેટ્રોલ પાર્ટી તાત્કાલિક પગે ચાલીને કાદવ અને નાળું પાર કરીને તે દિશામાં ધસી ગઈ હતી.
જોકે બીએસએફના પેટ્રોલિંગ યુનિટને પોતાના તરફ આવતા જોઈને પાકિસ્તાની માછીમારો સતર્ક બની ગયા હતા અને કાદવવાળી જમીનનો લાભ લઈને તાત્કાલિક પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. જોકે બીએસએફના પેટ્રોલિંગ યુનિટે તેમનો પીછો કર્યો હતો અને બોર્ડર પિલ્લર નં- ૧૧૬૦ પાસે ભારતીય સીમાની આશરે ૧૦૦ મીટર અંદરથી ૧ પાકિસ્તાની ફિશિંગ બોટ કબજામાં લીધી હતી. જપ્ત કરવામાં આવેલી બોટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં માછલીઓ મળી આવી હતી અને તે સિવાય કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ નહોતી લાગી. તે સિવાય બોટમાંથી માછલી પકડવાની જાળી અને માછીમારી માટેના અન્ય સાધનો પણ મળી આવ્યા હતા. હાલ તે સમગ્ર વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

Previous articleદેશના ૧૦૦ સ્માર્ટ સિટીમાં સુરત પ્રથમ અને અમદાવાદ છઠ્ઠા ક્રમાંકે
Next articleજમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની બે ઘટના, સીઆરપીએફનો એક જવાન શહીદ