જયપુર,તા.૪
દેશભરમાં ૩ કૃષિ કાયદા સામે લગભગ ૧ વર્ષ સુધી ખેડુત આંદોલન કરીને જાણીતા બનેલા રાકેશ ટિકૈતે હવે રાજસ્થાનના સવાઇ માધોપુરમાં એક કિસાન મહાપંચયાતને સંબોધન કરતા કહ્યુ કે દેશમાં વધુ એક આંદોલનની જરૂર છે. દરેક વ્યકિત આ માટે તૈયાર રહે. તમારા ટ્રેકટર- ટ્રોલીઓને તૈયાર રાખજો. આંદોલન કયારે થશે,કયાં થશે તેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. કિસાન મહાપંચાયતને ખેડુત નેતા રાજારામ મીલ સહિત અનેક નેતાઓએ સંબોધન કર્યું હતું. ભૂ પ્રેમી પરિવાર સંઘ દ્રારા દશેરા મેદાન ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. ખેડુત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે રાજસ્થાનના પાંચના ડેમ સહિત રાજ્યના જે પણ મુદ્દા હશે તેને લઇને સરકાર સાથે વાત કરવામાં આવશે. સરકારો તરફથી ખેડુતો વિરુદ્ધ જે કોઇ પણ નિર્ણય લેવાશે, તેના માટે આંદોલન કરવામાં આવશે. ખેડુત વિરોધી કામ કરનારી પછી કોઇની પણ સરકાર હોય આંદોલન કરતા અચકાશું નહી. ખેડુત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે ભારત સરકાર દેશના ખેડુતોને વર્ષમાં ૬ હજાર રૂપિયા આપે છે અને તેનો ૪ મહિના પ્રચાર કરે છે. ખેડુતોને ભિખારી બનાવીને રૂપિયા આપવામાં આવે છે. ટિકૈતે કહ્યું કે કેન્દ્ર સરકારના જે મુદ્દા છે, તેમાં એમએસપી સૌથી મોટો મુદ્દો છે. કેન્દ્ર સરકાર તરફથી બે નામ માંગવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર એ સ્પષ્ટ નથી કરતી કે કમિટીઓના અધિકાર શું હશે?, સમયગાળો કેટલો હશે?, તેમાં સભ્યો કેટલા હશે?, કયા કયા સંગઠનોના સભ્યો હશે?, તેના અધ્યક્ષ પદે કોણ રહેશે? કેન્દ્ર સરકાર તરફથી આનો જવાબ આપવામાં નથી આવતો. જયાં સુધી ભારત સરકાર આ વાતની ચોખવટ નહી કરે ત્યાં સુધી અમે નામ આપવાના નથી. ટિકૈતે કહ્યું કે એમએસપી કાયદાને લઇને આખા દેશ સમક્ષ જઇશું. તેમણે કહ્યું કે અલગ અલગ રાજ્યોમાં ખેડુતોને આપવામાં આવતી વીજળીના દર અલગ અલગ છે. જયારે દેશ એક છે તો વીજળીના દર પણ એક જ હોવા જોઇએ. રાકેશ ટિકૈતે આરોપ લગાવતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલે છે. ખેડુત નેતા ટિકૈતે કહ્યું કે દેશ રાજકીય પાર્ટીઓથી નહી, ક્રાંતિથી બચશે. એટલે ફરી એકવાર આંદોલન અને ક્રાંતિ થશે ત્યારે દેશ બચાવી શકાશે. ટિકૈતે આગળ કહ્યું કે રાજસ્થાનમાં પાણી એક મોટો મુદ્દો છે. અહીં જો ગેસ અને ઓઇલ દુરથી આવી શકતા હોય તો, પાણી પણ આવી જ શકે છે. દેશની નદીઓમાં પાણી છે જેને જોડવી જોઇએ. નદીઓ સાથે નદીઓને જોડવાની દિવગંત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની યોજના હતી. એવું થવું જોઇએ, જેથી રાજસ્થાનને પાણી મળી શકે.
Home National International રાજસ્થાનના ખેડૂતો ટ્રેકટર-ટ્રોલી તૈયાર રાખે આગામી દિવસોમાં આંદોલન થશે : રાકેશ ટિકૈતે