ગોહિલવાડના શેત્રુંજી નદીના કાંઠાના પ્રદેશમાં આગામી શુક્રવાર થી રવિવાર દરમિયાન ’વસુંધરાની વાણી’ સાંભળવાનો લ્હાવો મળનાર છે. શેત્રુંજી નદીની છાયામાં આ આયોજનમાં દેશના વિવિધ ભાગના લોકગાયકો દ્વારા લોકવાણી તથા ગાનની રજૂઆત કરવામાં આવશે.
’વસુંધરાની વાણી સમિતિ’ દ્વારા થયેલ આયોજન હેતુ જોઈએ તો જે વહેવારની ભાષામાં જ પુરાઈને રહેતાં આપણાં જીવને કૂણો, કુમળો અને પ્રાકૃતિક બનાવવાની નેમ રાખે છે, જે મુજબ ધર્મ, જાતિ, પ્રતિષ્ઠા, સંપત્તિ, ભણતર તેમજ હોદ્દામાં વહેંચાયેલા મનને એકાત્મતા તરફ લઈ જાય તેવી માનવીય ભાવસભર ઉત્તમ કૃતિઓ રજૂ કરવા સન્મુખ રીતે થતાં ગાન અને શ્રવણની પ્રણાલીને ફરી જીવંત કરીને એક ઉદ્દાત્ત જીવનશૈલીને સમજવા માટે જનગણ વચ્ચે જઈને નિજાનંદની મસ્તીમાં ગાયન કે પઠન કરનારા કળાકારો તેમજ ભાવકો સાથે શબ્દ-સૂરનો નાતો રચવાના આ સુંદર ઉપક્રમનો લાભ મળશે. જેમાં જેસલમેરના શ્રી ભલ્લુરામજી, વીરભૂમિ જિલ્લાના શ્રી લક્ષ્મણદાસ બાઉલ, માતાના મઢ કચ્છના દેવજીભાઈ જાગરિયા અને બેંગ્લોરના શબનમ વિરાણી દ્વારા લોકવાણી ગાન રજૂ થશે. ગોહિલવાડના શેત્રુંજી નદીના કાંઠાના પ્રદેશમાં થયેલા આયોજન મુજબ આગામી શુક્રવાર તા.૮ ના રોજ સવારે ૮-૩૦થી ૧૧-૦૦ કલાક દરમિયાન લોકભારતી,સણોસરા સંસ્થા ખાતે ભલ્લુરામજી, લક્ષ્મણદાસ બાઉલ તથા શબનમ વિરાણી અને રાતે ૯-૩૦ કલાકથી માંડવડા ખાતે શ્રી દેવજીભાઈ જાગરિયા, લક્ષ્મણદાસ બાઉલ તથા શ્રી શબનમ વિરાણી દ્વારા પ્રસ્તુતિ થશે. શનિવાર તા.૯ ના રોજ સવારે ૯-૦૦ કલાકથી બપોરે ૧૨-૦૦ કલાક દરમિયાન બેલા લોકનિકેતન સંસ્થા ખાતે ભલ્લુરામજી, દેવજીભાઈ જાગરિયા તથા લક્ષ્મણદાસ બાઉલ અને રાતે ૯-૦૦ કલાકથી માંડવાળી ખાતે દેવજીભાઈ જાગરિયા, લક્ષ્મણદાસ બાઉલ તથા શબનમ વિરાણી દ્વારા પ્રસ્તુતિ થશે. રવિવાર તા.૧૦ સવારે ૯-૦૦થી બપોરે ૧૨-૦૦ કલાક દરમિયાન ટીમાણા ખાતે રાતે તેમજ રાતે ૯-૦૦ કલાકથી માઈધાર પંડિત સુખલાલજી લોકવિદ્યાલય ખાતે ભલ્લુરામજી, શ્રી દેવજીભાઈ જાગરિયા, શ્રી લક્ષ્મણદાસ બાઉલ તથા શબનમ વિરાણી દ્વારા પ્રસ્તુતિ થશે. શેત્રુંજી નદીની છાયામાં આ સમગ્ર સંકલન વ્યવસ્થા શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય, માઈધાર અંતર્ગત શ્રી ભાવનાબેન પાઠક સાથે શ્રી પાતુભાઈ આહીર અને શ્રી એભલભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવ્યું છે.