જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળાના ૧૬ હજાર થી વધુ વિદ્યાર્થીઓ સમક્ષ ’હેન્ડ વોશિંગ ટેકનિક’નું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું : હાથ ધોવાની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન થશે : ડો. એ.કે. તાવિયાડ
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. ૧ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી ” સ્વચ્છતા સૌનો વ્યવસાય ” સુત્ર અમલીકૃત થાય એ હેતુથી ’સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨’ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળામાં ’હેન્ડ વોશિંગ ટેકનિક’નું ૧૬ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારીના માર્ગદર્શન નીચે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને મેડિકલ ઓફિસરો (આયુષ) દ્વારા જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળામાં હાથ ધોવાની ૬ તબક્કાઓની વૈજ્ઞાનિક પદ્ધતિનું નિદર્શન કરી સમજ આપવામાં આવી હતી અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. નાના બાળકો ખાસ કરીને વિદ્યાર્થીઓને હાથ ધોવા વિશેની પૂરતી જાણકારી ન હોવાને કારણે હાથમાં લાગેલાં જીવાણુ અને સૂક્ષ્મ જંતુઓ મોં વાટે સીધેસીધા હાથ દ્વારા પેટમાં જાય છે અને તેને લીધે બાળકોમાં જાતજાતના વાયરસને કારણે ભાતભાતના રોગ થતાં હોય છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. તાવિયાડે આ અંગે જણાવ્યું કે, હાથ ધોવાની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન થશે. જિલ્લામાં આરોગ્યની વિવિધ ટીમો બનાવીને જિલ્લાની વિવિધ શાળાઓમાં ’હેન્ડ વોશિંગ’ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. નાનપણથી જ બાળકોને બહાર કોઇપણ જગ્યાએ અડકવાથી કે કોઈ વસ્તુને સ્પર્શ કરવાથી લાગેલાં આ સૂક્ષ્મ જીવાણુઓથી મુક્તિ મળે તે માટે યોગ્ય રીતે હાથ ધોવા વિશેની રીતો અંગે જાણકારી આપવી જરૂરી છે. જેથી તેઓની આરોગ્ય સ્વચ્છતા જાળવવા સાથે વિવિધ રોગોમાંથી મુક્તિ મળી શકે. આ અંતર્ગત શાળાના બાળકોને “સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા, સ્વચ્છતા ત્યાં પ્રભૂતા” ના સૂત્રને ચરિતાર્થ કરવા હાથ ધોવાની અગત્યતા સમજાવવા આવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્રના ડો.ધવલભાઇ દવે અને ભદ્રાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ગૌતમભાઈ પંડ્યાએ પાલીતાણાની લોક કલ્યાણ વિદ્યાલય, માઈધાર અને દિહોર સહિતની પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગની ટીમ સાથે મુલાકાત લઇ અને વિવિધ શાળાના પ હજાર જેટલાં વિદ્યાર્થીઓને હાથ કઈ રીતે સાફ કરવાં તેની રીત શીખવવામાં આવી હતી. શાળાના બાળકોએ પણ ખુબ ઉત્સાહપૂર્વક હેન્ડ વોશિંગ પધ્ધતિ શીખવા માટે રસ લીધો હતો. આ સાથે વિવિધ શાળાના શિક્ષકગણે પણ આ પ્રવૃત્તિમાં રસપૂર્વક જોડાઈને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના સંસ્કાર વિદ્યાર્થીકાળથી જ કેળવાય તે માટે જરૂરી સાથ-સહકાર આપ્યો હતો.